Tapi mitra News-વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કેળવણી ગામમાં એક વ્યક્તિને કોરોના પોઝીટીવ કેસ જણાતાં આ વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ સી.આર.ખરસાણે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી તા.૦૫/૦૫/૨૦૨૦ સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે અનુસાર ધરમપુર તાલુકાના કેળવણી, ચીંચોઝર, વાંઝલટ અને પોંઢાજંગલ ગ્રામ પંચાયતના તમામ રહેણાંક અને મહેસુલી વિસ્તાર કન્ટાઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં તમામ પ્રકારની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પૂરા પાડવામાં આવશે.
ધરમપુર તાલુકાના કેળવણી ગામની ૭ કિ.મી.ની ત્રિજ્યામાં એટલે કે બફર એરિયામાં માંકડબન, ધામણી, ફુલવાડી, ઝરીયા, બીલપુડી, બરૂમાળ, સીદુમ્બર, ભેંસધરા, ઉકતા, પાનવા, દાંડવળ તેમજ કપરાડા તાલુકાના નળીમધની, જ્યારે વાંઝલટ ગામની ૭ કિ.મી. ત્રિજ્યામાં એટલે કે બફર ઝોનમાં હૈદરી, ભાનવળ, નાની કોસબાડી, પીંડવળ, વાઘવળ, મોટી કોસબાડી, પૈખેડ, મોટીકોરવડ, નાની કોરવડ, મોહના કાવચાલી, તામછડી, પેણધા અને પીરમાળ ગામોનો સમાવેશ થતો હોય આ ગામોની હદને સીલ કરવામાં આવી છે.બફર એરીયાના ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધી સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાની શરતે મુક્તિ આપવામાં આવે છે. આ સમય દરમિયાન દ્વિચક્રિય વાહન ઉપર એક વ્યક્તિ અને ત્રણ/ ચાર ચક્રીય વાહનમાં બે થી વધુ વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે નહીં.ઉપર જણાવેલા વિસ્તાર માટે સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેમના વાહનો (સરકારી અને ખાનગી સહિત), આ વિસ્તારમાંથી પસાર થતા તમામ માલવાહક વાહનો તેમજ આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ/ વિતરણ કરતા તંત્ર દ્વારા આપવામાં આવેલા પાસ ધારકો અપવાદ રહેશે.આ હુકમનો ભંગ કરના વ્યક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500