Tapi mitra News-સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણના પગલે જીવનધોરણ ઠપ્પ થઇ ગયું છે. જેમાંથી ભારત દેશ કે ગુજરાત રાજય પણ બાકાત નથી. આવા સમયમાં અનેક પરિવારો એવા છે જેઓ પોતાના અસ્તિત્વને જાળવી રાખવા સંઘર્ષ કરી રહયા છે. ખાસ કરીને એવા ગરીબ પરિવારો જેઓ રોજનું કમાઇને રોજ ખાતા હતા તથા એકલા રહેતા વૃધ્ધો, ઘર વિહોણા ભીખારીઓ તથા શ્રમિક વર્ગને કપરા સમયમાં ધૈર્ય જાળવવા તથા જે શ્રમિકો શહેરમાં રહેતા છે તેમને તે જગ્યાએ જ રહેવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી હતી. વધુમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, જે વ્યકિત જયાં છે ત્યાં જ બે વખતનું ભોજન મળી રહેશે. આ માટેની વ્યવસ્થા રાજય સરકાર થકી કરવામાં આવી છે. જે દરેક જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા બખુબી કરવામાં આવી રહી છે. એવા સમયે સરકાર સાથે સેવા ભાવી સંસ્થાઓએ જરૂરિયાતમંદ લોકોની ભુખ મટાવવા આગળ આવી છે.
મદદનો હાથ આપનાર સંસ્થાઓમાં વલસાડ જિલ્લાની વિવિધ સામાજીક સંસ્થાઓનો સમાવેશ થાય છે. લોકડાઉનના સમયમાં જેઓ નિસ્વાર્થ ભાવે લોકોની વિવિધ રીતે સેવા કરી રહયા છે. ઘણી સંસ્થાઓ માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરે છે. જયારે અમુક સંસ્થાઓ અનાજનું દાન કરે છે તો વળી કોઇ ઘર વિહોણાઓને જમવાનું પહોચાડે છે. આવી સેવાભાવી સંસ્થાઓમાં એક નામ છે-અનાવિલ પરિવાર વલસાડ તથા વાપીની રાજસ્થાન જૈન એકતા મંચ. અનાવિલ પરિવાર વલસાડ સંસ્થા દ્વારા લોકડાઉન શરૂ થયું ત્યારથી આજદિન સુધી જરૂરતમંદ ગરીબ પરિવારો જેઓ રોજનું કમાઇને રોજ ખાતા તથા ઘર વિહોણા ભીખારીઓ, વૃધ્ધોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા એક ગામમાં દર બીજા દિવસે અનાજ કિટ આપવામાં આવે છે. આજ દિન સુધી કપરાડાના ઘોટણ, દીનબારી, અરણાઇ, વારોલી જંગલ વિસ્તાર વગેરે ગામોમાં વિતરણ કરવામાં આવ્યું છે. અનાવિલ પરિવાર દ્વારા હંમેશાથી વલસાડ જિલ્લામાં વિવિધ સેવાના કામો હાથ ધરવામાં આવે છે. અનાવિલ પરિવારના સભ્યોના કહેવા અનુસાર આ મહામારીના સમયમાં ગરીબ પરિવારને મદદ કરી શકવાથી તઓ ધન્યતા અનુભવે છે.
વાપીની રાજસ્થાન જૈન એકતા મંચ દ્વારા રોજના ૫૦૦ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. જેમાં પુરી શાક, પુલાવ, મિષ્ટાન વગેરે આપવામાં આવે છે. ખાસ રસોઇ તૈયાર કરી સ્વાદ તથા સ્વચ્છતા જાળવી રસોઇ બનાવી જરૂરીયાતમંદોને પહોચાડવામાં આવે છે. તેઓના જમણવારમાં ગરીબ પરિવારની સાથે સાથે દિવસ-રાત ફરજ બજાવતા પોલિસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થા દ્વારા વાપી તથા આસપાસના વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે. જેમાં ડુંગરી ફળીયા, જી.આઇ.ડી.સી, ચણોદ, વાપી ચાર રસ્તા વગેરે સ્થળોએ આજ દિન સુધી ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ રમેશભાઇ જૈનનું કહેવું છે કે, ‘જયાં સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી અમે સેવા કરીશું.' બન્ને સંસ્થા દ્વારા વિતરણ કરતી વખતે સોશિયલ ડિસટન્સ જાળવીને કામ કરવામાં આવે છે. મદદનું સ્વરૂપ ભલે નાનું હોય પરંતુ ખરા સમયે મળેલી મદદ ખરેખર ભગવાનના આશીર્વાદ સમાન છે અને મદદ કરનાર કોઇ ફરીસ્તાની જેમ જીવનભર યાદ રહી જાય છે. કોઇની મદદ કરવાનો અવસર ઘણી ઓછી વખત આવતો હોય છે. ત્યારે લોકડાઉનના સમયમાં અનેક પરિવારો, સ્વૈચ્છીક સંસ્થાઓ આ લાભ લઇ જરૂરીયાતમંદોને મદદ કરી ‘માનવસેવા એજ પ્રભુ સેવા' વાકયને સાર્થક કરી રહી છે. વલસાડ જિલ્લામાં આવી અનેક નાની મોટી સંસ્થાઓ છે જે દર્શાવે છે કે માનવીના હદયમાંથી માનવતા કયાંય વિસરાઇ નથી. આજે પણ એક માનવીનું દુઃખ બીજો માનવી કહેવા વગર સમજી શકે છે, અને કહેવા વગર મદદનો હાથ આપી શકે છે.
-આલેખન-વૈશાલી જે. પરમાર
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500