Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૩૩૩ થઇ:મ્યુ.કમિશનર બંછાનિધિ પાની

  • April 22, 2020 

Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૧મી એપ્રિલના રોજ સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ની કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં આજે કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૩૩૩ થઇ છે અને ૧૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પાલિકા દ્વારા વ્યક્તિના શરીરમાં કોરોના વાઈરસની હાજરીને પારખતાં રેપિડ એન્ટી બોડી ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હતી, પરંતુ આ ટેસ્ટના પરિણામમાં વિસંગતતા હોવાથી હાલપૂરતી આ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. ૧૩ જેટલા ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ૬૭૧ ટીમો દ્વારા એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ દ્વારા સઘન ચકાસણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આજ સુધી કુલ ૮૭૮૭ ટેસ્ટ કરાઈ ચૂક્યા છે, તેમજ શહેરમાં તાવ અને શરદીના ૭૦૦૦ કેસોની ઝીણવટભરી ચકાસણી કરી ૭૩૯ કેસો અલગ તારવવામાં આવ્યા હતા, જે પૈકી ૩૩૩ કેસો પોઝિટીવ આવ્યાં છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર અને મેડિકલ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. શહેરમાં આજે ધાર્મિક સ્થળો, એ.પી.એમ.સી. બેંકો, સરકારી કચેરીઓ સહિત મેડિકલ સેન્ટરો, ડેરીઓ અને આવશ્યક વસ્તુઓની દુકાનો જેવા મહત્વના સ્થળો સહિત કુલ ૪૨૨૭ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. આજ સુધી શહેરમાં ૭૯,૨૨૯ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ છે. રોટરી ક્લબ દ્વારા હેન્ડ વોશિંગ મશીનની સુવિધાનું યોગદાન આપવામાં આવ્યું છે. શહેરની દુકાનો, બેંકો, કારખાના સહિતના સ્થળો પર હેન્ડ વોશિંગ મશીન મૂકવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો. શ્રી પાનીએ કહ્યું કે, આજે શહેરના શ્રમિક ગરીબ વર્ગના ૭,૫૦ લાખથી વધુ લોકોને ફૂડ પેકેટની સામાજિક સંસ્થાઓના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં સહભાગી બનવા બદલ તેમણે તમામ સામાજિક સંસ્થાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. જયારે અક્ષયપાત્ર સંસ્થા દ્વારા દરરોજ સરેરાશ ૧.૧૬ લાખ જેટલા વધુ લોકો માટે ફૂડ પેકેટ-ભોજન પૂરૂ પાડવામાં આવે છે. તંત્ર દ્વારા તા.૨૧મી એપ્રિલ સુધી ૧,૭૯,૨૪૬ ઘર વિહોણા લોકો અને ૩૦,૨૫૨ એકલા રહેતા વૃદ્ધો વડીલોને ભોજન પહોંચાડવામાં આવ્યું છે. તેમણે શહેરીજનોને લોકડાઉન તેમજ કર્ફ્યુંનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application