Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Gujarat:સામાન્ય કર્મીના ફરજ દરમ્યાન કોરોના સંક્રમણથી અવસાનના કિસ્સામાં રૂ. રપ લાખની સહાય અપાશે

  • April 19, 2020 

Tapi mitra News-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનધારકોની દુકાનો પર ફરજ બજાવતા તોલાટ અને ડેટા એન્ટ્રી-બિલ ઓપરેટર જેવા સામાન્ય કર્મીઓ પ્રત્યે આગવી સંવેદના સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં સરકાર માન્ય સસ્તા અનાજની ૧૭ હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા આવા તોલાટ કે ડેટા એન્ટ્રી-બિલ કલાર્ક ઓપરેટરનું ફરજ દરમ્યાન કોરોના વાયરસના સંક્રમણથી અવસાન થાય તો તેના પરિવારજનોને પણ રાજ્ય સરકાર રપ લાખ રૂપિયાની સહાય કરશે. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયની વધુ વિગતો આપતાં કહ્યું કે, આ અગાઉ શ્રી વિજયભાઇ રૂપાણીએ પોલીસકર્મીઓ સહિત રાજ્ય સરકારની સેવાના કર્મચારીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોના કોરોના સંક્રમીત થવાથી મૃત્યુના કિસ્સામાં આવી સહાયની જાહેરાત કરેલી છે. હવે, આ સાવ સામાન્ય વર્ગના સેવા કર્મીઓ પ્રત્યે પણ આગવી સંવેદના દર્શાવતા મુખ્યમંત્રીશ્રીએ આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં નાગરીકોની સરળતા માટે કરેલા અન્ય કેટલાક નિર્ણયોની પણ વિગતો શ્રી અશ્વિનીકુમારે આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં NFSA અન્વયે અનાજ મેળવતા ૬૬ લાખ કાર્ડધારક પરિવારોને એપ્રિલ માસ પૂરતી રૂ. ૧૦૦૦ની સહાય બેન્ક ખાતામાં જમા કરાવવાની કરેલી જાહેરાતને પગલે સોમવાર તા. ર૦ એપ્રિલે છોટાઉદેપૂર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર એમ ૬ આદિજાતિ જિલ્લાઓથી તે રકમ જમા કરાવવાની શરૂઆત કરાશે, તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં તમાકુ પકવતા ખેડૂતોની મળેલી રજૂઆતોના સંદર્ભમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે, માર્કેટયાર્ડ-બજાર સમિતિમાં તમાકુ વેચાણ ખરીદ માટે ખેડૂતો પોતાના તમાકુ ઉત્પાદન લઇને આવે તેવી વ્યવસ્થા આગામી ટૂંક જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ એ રાજ્યમાં લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં સોમવાર તા. ર૦ એપ્રિલથી ઊદ્યોગો-એકમો શરૂ કરવા અંગે જે નિર્ણય કર્યો છે તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આવા ઊદ્યોગો-એકમો માત્ર નગરપાલિકા-મહાનગરપાલિકાની હદ સિવાયના બહારના વિસ્તારોમાં જ શરૂ કરી શકાશે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશો અનુસાર રાજ્યના શ્રમ રોજગાર વિભાગે પણ એવી સ્પષ્ટ સૂચનાઓ જારી કરી છે કે જે વિસ્તારોમાં તા. ર૦ એપ્રિલથી ઊદ્યોગ-એકમો કાર્યરત થવાના છે ત્યાં મહત્તમ ૧ર કલાકની શિફટ રાખવાની છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવે આ સંદર્ભમાં જણાવ્યું કે, આવી ૧ર કલાકની શિફટમાં કામ કરનારા શ્રમિકોના વેતનમાં પણ સપ્રમાણ વધારો આપવાનો રહેશે. એટલું જ નહિ, કામના ૬ કલાક પુરા થાય ત્યારે શ્રમિક-કર્મચારીને અડધો કલાક-૩૦ મિનિટના વિરામ આપવો પડશે. આવા ઊદ્યોગ-એકમોમાં સાંજે ૭ થી સવારે ૬ વાગ્યા સુધી એટલે કે રાત્રિ સમય દરમ્યાન કોઇ મહિલા શ્રમિક-કર્મચારીને ફરજ માટે બોલાવી શકાશે નહિ, તેમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ લીધેલા અન્ય એક નિર્ણય અંગેની જાણકારી આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ કે, લોકડાઉન સમય દરમ્યાન પોલીસ દ્વારા કાયદા ભંગ અંગે ડિટેઇન કરવામાં આવેલા વાહનો માટે કમ્પાઉન્ડીંગ ફી નિયત કરવામાં આવી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ કમ્પાઉન્ડીંગ ફી ની બાબતમાં પણ એવો નિર્ણય કર્યો છે કે હવેથી આવા ડિટેઇન થયેલા વાહનોના કિસ્સામાં ટૂ વ્હીલર-થ્રી વ્હીલર માટે રૂ. પ૦૦ તેમજ ફોર વ્હીલર્સ માટે રૂ. ૧૦૦૦ કમ્પાન્ડીંગ ફી વસુલ કરવામાં આવશે તેમ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ એમ પણ જણાવ્યું કે, તા. ર૦ એપ્રિલ સોમવારથી રાજ્ય સરકારની કચેરીઓ કાર્યરત કરવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે તેમાં વર્ગ-૩ અને ૪ ના ૩૩ ટકા સ્ટાફને જરૂરિયાત મુજબ ફરજ પર બોલાવવામાં આવશે. વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓએ ખાતા-વિભાગ-કચેરીના વડાની સૂચનાઓ મુજબ કચેરીએ આવવાનું રહેશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, લોકડાઉનની સ્થિતીમાં જાહેર પરિવહન ઉપર જે પ્રતિબંધ છે તે સંદર્ભમાં ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સચિવાલય પોઇન્ટ બસ સેવા પણ હાલના સંજોગોમાં મોકૂફ રાખવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ રાજ્યના માર્કેટયાર્ડ અને બજાર સમિતિઓમાં ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનો વેચાણ માટે લઇ આવી શકે તે અંગે મુખ્યમંત્રીશ્રીએ તા.૧પમી એપ્રિલથી માર્કેટયાર્ડ શરૂ કરવાની કરેલી જાહેરાતને પગલે પાછલા ૩ દિવસમાં જ રાજ્યના વિવિધ માર્કેટયાર્ડમાં કુલ ૬૯૮૩૭ કવીન્ટલ અનાજ અને ખેત ઉત્પાદનો ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે તેમાં ઘઉં-૪૮૮૭૪ કવીન્ટલ અને એરંડા-૧૫૯૬૧ કવીન્ટલ છે. મુખ્યમંત્રીશ્રીના સચિવે લોકડાઉનના પચ્ચીસમાં દિવસે જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની વિગતો આપતાં જણાવ્યું કે, રવિવારે રાજ્યમાં ૪૬.૮૧ લાખ લીટર દૂધ વિતરણ થયું છે. ૮૬૫૭૭ કવીન્ટલ શાકભાજી અને ૫૧૫૯ કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application