Tapimitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૮મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૧૯૪ થઇ છે, અને કુલ ૦૭ દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાના સૌથી વધુ ૮૨ કેસો લિંબાયત ઝોનના માન દરવાજા અને મીઠી ખાડી વિસ્તારના નોંધાયા છે. શહેરમાં કોરોનાને ફેલાતો અટકાવવાં માટે ટેસ્ટીંગની પ્રક્રિયા વધુ તેજ કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં કોરોના ટેસ્ટીંગ શરૂ કરાયું હોવાથી ૧૨૨ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૦૨ કેસ પોઝિટીવ આવ્યા છે. ટ્રેકિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટના ટ્રીપલ ટી એપ્રોચના આધારે હવે જ્યાં કેસો વધી રહ્યા છે તેવા લિંબાયત અને માનદરવાજા વિસ્તારના હોટસ્પોટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહી સામૂહિક ટેસ્ટીંગ માટે હવે વ્યક્તિના શરીરમાં કોરોના વાઈરસની હાજરીને પારખતાં રેપિડ એન્ટી બોડી ટેસ્ટની શરૂઆત આવતીકાલથી કરવામાં આવશે.મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજે બપોર પહેલા ૭૦૦ અને બપોર બાદ ૯૨૮ સેમ્પલ લેવામાં આવ્યાં છે. પોઝિટીવ કેસોની સંખ્યા વધી રહી છે, જેને ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તારના લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આજની સ્થિતિએ ૨૮૩૬ લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જેમાં ૫૧૯ સરકારી અને ૩૨ વ્યક્તિઓ પ્રાઈવેટ ક્વોરેન્ટાઇનમાં છે. આમ, કુલ ૩૩૮૭ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇનમાં છે.
આજે સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર ૮૯ લોકો પાસેથી રૂ.૯૭,૫૦૦ નો દંડ કરાયો છે, જયારે માસ્ક ન પહેરનારા ૧૦૬ વ્યક્તિઓને રૂ. ૧,૦૬,૧૦૦ નો દંડ કરવામાં આવ્યો છે. આવશ્યક દુકાનો પર હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા ન કરનાર ૧૯ દુકાનદારોને રૂ.૩૩,૭૦૦ નો દંડ કરાયો છે. નિર્ધારિત ક્લસ્ટર એરિયામાં કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમો દ્વારા ક્લસ્ટર હોટસ્પોટ અને સ્લમ એરીયામાં સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે. શ્રી પાનીએ શહેરીજનોને કર્ફ્યુંનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500