Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ત્રણ શહેરોના કરફ્યુ ગ્રસ્ત વિસ્તારમાં કડક અમલ સુનિશ્ચિત કરાયા:આઈ.બી દ્વારા લોકડાઉન અને કરફ્યુ  અંગે ચાંપતી નજરઃરાજ્યના પોલીસવડાશ્રી શિવાનંદ ઝા

  • April 18, 2020 

Tapi mitra News-રાજ્યના પોલીસવડાશ્રી શિવાનંદ ઝાએ કહ્યું છે કે, રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે વહિવટીતંત્ર દ્વારા પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટના કરફ્યુ ગ્રસ્ત વિસ્તારોમાં લોકડાઉન અને કરફ્યુ નો ભંગ ન થાય તે માટે કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આઈ.બી દ્વારા પણ સતત વોચ રાખવામાં આવી રહી છે. આઈ.બીના ઈનપુટથી માહિતી મળશે ત્યાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે એટલે નાગરિકો યોગ્ય સંયમ રાખી લોકડાઉના અમલમાં સહયોગ આપે તે જરૂરી છે. લોકડાઉનના અમલ અંગે મીડિયાને માહિતી આપતાં શ્રી ઝાએ કહ્યુ કે, કરફ્યુ ગ્રસ્ત વિસ્તારોમાં ચુસ્ત અમલ માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. કરફ્યુ વાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવી દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરફ્યુ  ભંગના 197 ગુનાઓ દાખલ કરાયા છે અને 201 લોકોની અટકાયત પણ કરાઈ છે.શ્રી ઝાએ ઉમેર્યું કે, કોરોના વાયરસ સંક્રમણને વધતુ અટકાવવા માટે આરોગ્ય, પોલીસ અને અન્ય વિભાગના કર્મીઓ ખડેપગે કામ કરી રહ્યા છે ત્યારે તેમના પર થતા હુમલા હળવાશથી લેવાશે નહિ. તેમની સામે પાસા સહિતના ગુના નોંધી કઠોર પગલાં લઈ કડક કાયદાકીય કાર્યવાહી કરાશે. ગઈકાલે મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે એક સરકારી અધિકારી પર થયેલા હુમલા સંદર્ભે મહેસાણા ખાતે ગુનો નોંધીને બે આરોપીની સામે પાસાનો ગુનો નોંધીને અટકાયત કરીને જેલને હવાલે કરી દેવાયા છે.શ્રી ઝાએ વધુમાં ઉમેર્યું કે સંક્રમિત વિસ્તારમાં રેડઝોનમાં જે પોલીસકર્મીઓ ફરજ બજાવે છે તેમને કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રાખવા PPE  કીટ પણ પૂરી પાડવામાં આવી છે. એજ રીતે માસ્ક અને સેનિટાઈઝર સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જે પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે તેમને પણ ઉત્તમમાં ઉત્તમ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે તેમજ તેમના પરિવારજનોની પૂરતી કાળજી લેવા માટે સંબંધિત એકમના ઉચ્ચ અધિકારીઓ પણ પૂરતી તકેદારી રાખી રહ્યા છે. લોકડાઉનના ભંગ અંગે નોંધાયેલા ગુનાઓની વિગતો આપતાં શ્રી ઝાએ કહ્યું કે, લોકડાઉનના અમલ દરમિયાન વાહનોમાં માણસોની હેરાફેરી સંબંધે પ્રતિબંધ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ ચેકપોસ્ટ ઉપર મોરબીથી કન્ટેનરમાં 21 બાળકો અને 81 લોકોને રાજસ્થાન લઈ જવાતા હતા તે તમામ લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી સાથે-સાથે ડ્રાઈવર અને વાહનમાલિક સામે પણ ગુનો નોંધી વાહન જપ્ત કરવામાં આવ્યું છે.લોકડાઉનના ભંગ અંગે ડિટેઈન કરેલા વાહનો મુક્ત કરવામાં આવી રહ્યા છે જેમાં ગઈકાલે 9,068 વાહનો મળી આજ સુધીમાં 50,307 વાહનો મુક્ત કરાયા છે તેમ પણ તેઓશ્રીએ જણાવ્યું હતું. ખાનગી સોસાયટીના સીસીટીવી ફૂટેજ દ્વારા પણ ગઈકાલે 15 ગુના દાખલ કરીને 28 વ્યક્તિની અટકાયત કરી છે. શહેરી વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સ દ્વારા ગઈકાલે 298 ગુનાઓ મળી આજ સુધીમાં 6,475 ગુના દાખલ કરીને 13,961 ની ધરપકડ તથા સીસીટીવી ફૂટેજ દ્વારા ગઈકાલે 87 ગુના મળી આજદિન સુધીમાં કુલ 1,112 નોંધીને 1,939 લોકોની અટકાયત પણ કરાઈ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા અંગે પણ સોશ્યલ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા ચાંપતી નજર રાખીને આજ સુધીમાં 340 ગુના નોંધીને 668 લોકોની અટકાયત કરાઈ છે અને 23 એકાઉન્ટ પણ બંધ કરાયા છે. એજ રીતે ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ અને ટીક-ટોકના 268 એકાઉન્ટ બ્લોક પણ બ્લોક કરી દેવાયા છે.રાજ્યમાં  લૉકડાઉન દરમિયાન  ગઇકાલે જાહેરનામા ભંગના 2,308 ગુનાઓ, કવૉરન્ટાઈન ભંગના 1153 તેમજ અન્ય 577 એમ કુલ 4,038 ગુનાઓ હેઠળ કુલ 5,399 લોકોની અટક કરવામાં આવી છે. જ્યારે આજે 2,809 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.અમદાવાદના કરફ્યુ ગ્રસ્ત વિસ્તારોમાં આજ સુધીમાં કરફ્યુ  ભંગના 103 ગુના નોંધી કુલ 118 લોકોની ધરપકડ કરવામાં આવી છે, સુરતમાં આજે કરફ્યુ  ભંગના 64 ગુના નોંધી 68 લોકોની ધરપકડ જ્યારે રાજકોટમાં આજે કરફ્યુ  ભંગના 15 ગુના નોંધી 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application