Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉન વચ્ચે ઘરે બેઠાં ઈ-લર્નિંગ કરી સમયનો સદુપયોગ કરતાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકો

  • April 18, 2020 

Tapi mitra News-કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉનથી વ્યાપાર ઉદ્યોગો સાથે શિક્ષણ સંસ્થાઓ બંધ છે, ત્યારે સુરત જિલ્લાની પ્રાથમિક શાળાઓના બાળકો અભ્યાસકીય પ્રવૃત્તિથી વિમુખ ન થાય, પોતાનો અભ્યાસ ભૂલે નહીં અને ઘરના હૂંફાળા વાતાવરણમાં સુરક્ષિત રહીને શાળામાં મેળવેલું શિક્ષણ તાજું રાખે એ માટે બાળકો ડિજીટલ માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે. સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન શિક્ષણ પદ્ધતિનો યોગ્ય ઉપયોગ કરવાના કારણે કોરોનાના કારણે સર્જાયેલી ઘરબંધીમાં પણ બાળકો રમતા રમતા ભણવાનો આનંદ માણી રહ્યા છે. સુરત જિલ્લાના જે વિદ્યાર્થીઓના વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઈલની સુવિધા નથી તેમને એન્ડ્રોઇડ મોબાઈલ ધરાવતા વાલીઓ રાજ્ય સરકાર દ્વારા પૂરા  પાડવામાં આવતા ઈ-સાહિત્યનો લાભ આપે એવું સુંદર સંકલન જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા ગોઠવાયું છે. ‘સ્ટડી ફ્રોમ હોમ’ ના કન્સેપ્ટ અંતર્ગત જિલ્લાની ૯૭૪ પ્રાથમિક શાળાઓના ધોરણ ૩ થી ૮ ના આશરે ૪૭,૬૮૬ જેટલા બાળકોને આવરી લેવામાં આવ્યા છે. જિલ્લાના ૪૩૩૮ જેટલા શિક્ષક ભાઈ-બહેનો વોટ્સએપ ગૃપ દ્વારા ૪૫૭૫૧ જેટલા વાલીઓના સતત સંપર્કમાં રહી બાળકોની અભ્યાસ પ્રગતિની નિગરાની કરી રહ્યા છે, જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સમયનો સદુપયોગ કરી અભ્યાસ સાથે જોડાયેલા રહે તેવું આયોજન કરાયું છે. નોંધનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગે લોકડાઉનના સમયમાં શાળાઓમાં શિક્ષણકાર્ય  બંધ હોવાથી ધોરણ ૩ થી ૮ ના બાળકોનો શિક્ષણ સાથેનો તંતુ જોડાયેલો રહે એ માટે વોટ્સએપના માધ્યમથી જી.સી.ઈ.આર.ટી.,ગાંધીનગર અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરાયેલું સાહિત્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડીનેટર થકી શાળાના શિક્ષકો દ્વારા વાલીઓને પહોંચાડવામાં આવે છે.રાજ્ય સરકારની નવીન પહેલનું સાર્થક પરિણામ મળે તે માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એચ.એચ.રાજ્યગુરૂ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા જિલ્લાના પ્લાનિંગ એન્ડ મોનિટરીંગ વિભાગના કો-ઓર્ડીનેટર નારણભાઈ જાદવના સહયોગથી ‘સ્ટડી ફ્રોમ હોમ’ અભિયાનનું સતત મોનિટરીંગ કરી રહ્યા છે. શ્રી રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતી કોઈ પણ નવતર પહેલને વખતોવખત શિક્ષકોના માધ્યમથી વાલીઓ સુધી પહોંચાડવામાં આવે છે. હાલ ઈ-શિક્ષણની સમગ્ર પ્રક્રિયાની નોંધ જે-તે શાળાના શિક્ષકો દ્વારા વાલીઓની રૂબરૂ મુલાકાત અથવા ટેલિફોનીક સંપર્ક દ્વારા રાખવામાં આવે છે. આમ, પરિવારના સલામત અને હુંફાળા માળામાં સ્ટડી ફ્રોમ હોમ, ગ્રંથાલય જ્ઞાનસંગ્રહ જેવા વિશિષ્ટ અભિગમ ઉપરાંત ટીવીના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાના ગુજરાતના શિક્ષણ વિભાગના શુભ હેતુને સુરત જિલ્લામાં યોગ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application