Tapi mitra News-લોકડાઉનના સમયમાં ઘરે કંટાળો આવવાની સાથે રોજરોજ ફકત ઘરમાં બેસીને લોકો અકળામણ અનુભવતા હોય છે. જેને પગલે કયારેક ઘરમાં કલેશ-કંકાશ થવાની શકયતાઓ વધે છે. ઘરની બહાર હરવા-ફરવા જવાનું મન હંમેશા કરતું રહે છે. આ સમયે બાળકો અને સગર્ભાઓનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. બાળકોને સ્વભાવે ચીડચીડીયા થતા અટકાવવા તેઓને પ્રવૃતિમય રાખવા જરૂરી છે.
આ પરિસ્થિતિને ધ્યાને લેતાં રાજય સરકાર દ્વારા પોષણ અભિયાન થકી ‘મારો સમય-મારું સર્જન' હેઠળ કેટલીક અવનવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ પ્રવૃતિઓ ઘર બેઠાં જ કરવાની હોય છે. જેમાં બાળકો માટે ચિત્રસ્પર્ધા, કિશોરીઓ માટે રંગોળી સ્પર્ધા અને સગર્ભાઓ માટે તોરણ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ કોઇ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે એક વોટસઅપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. જેમાં સ્પર્ધકોને ચોક્કસ વિષય, તારીખ, વાર, સમય આપવામાં આવે છે. જેમાં સ્પર્ધકો પોતાની કૃતિના ફોટા લઇને ગૃપમાં સબમીટ કરે છે. ત્યાર બાદ વિજેતાની જાહેરાત પણ ગ્રૂપમાં જ કરવામાં આવે છે. અને જે તે વિજેતાઓને ઇનામ આંગણવાડી વર્કર બહેનો દ્વારા ઘરે જઇને પહોંચાડવામાં આવે છે. જેથી સૌ ખુશખુશાલ થઇ આવનાર સ્પર્ધાઓની આતુરતાપૂર્વક રાહ જુએ છે, અને ઘરમાં રહીને પરિવારની મદદ લઇ એક જુથ થઇ કામ કરતાં શીખે છે. જેથી પરિવારમાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ જળવાઇ રહે છે અને બાળકોમાં સર્જનાત્મક શકિતનો વધારો થતો જોઇ માતાપિતા પણ આનંદની લાગણી અનુભવે છે. આધુનિક ટેકનોલોજીને પગલે ઘરેઘરે ઇન્ટરનેટ કનેકશનની સુવિધાયુકત સ્માર્ટ મોબાઇલ ઉપલબ્ધ છે. જેને પરિણામે ગામના લોકો પણ લોકડાઉનના સમયમાં ઓનલાઇન સ્પર્ધાઓમાં ભાગ લે છે. જેથી રોજબરોજ વિવિધ સ્પર્ધાઓમા મન પરોવાયેલું રહે તથા નવરાશની પળોમાં પણ સર્જનાત્મકતા બની રહે. લોકોને કામમાં વ્યસ્ત રાખવાથી તેમની મનોસ્થિતી પણ સારી રહે છે જેના કારણે લોકડાઉનનો સમયગાળો પોતાની સર્જનાત્મકતા અને પોતાને ગમતી પ્રવૃતિ કરવામાં પસાર કરી શકે છે.
(આલેખન - વૈશાલી જે. પરમાર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application