Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં રહેતા ૨૩ વર્ષીય બ્રેઈનડેડ નબરાજ ભુજેલના લિવર, બે કિડની અને હ્રદયના દાનથી ચાર વ્યક્તિઓને મળશે નવજીવન

  • January 07, 2024 

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. અને મૂળ નેપાળના અને સુરત નજીક આવેલા મગદલ્લામાં રહી રસોઈકામ કરતા બ્રેઈનડેડ નબરાજ ભુજેલના લિવર, બે કિડની અને હ્રદયના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. મૂળ ધનુસા નગરપાલિકા, ગણેશમાન સારનાથ વોર્ડ નં-૫, નેપાળના વતની ૨૩ વર્ષીય નબરાજ બહાદુરભાઈ ભુજેલ રસોઈ કામ સાથે સંકળાયેલ હતા. તા.૦૨ જાન્યુ.ના રોજ પોતાની બહેનના ઘરેથી બાઈક પર પરત ફરી રહ્યા હતાં, ત્યારે બાઈકનો અકસ્માત થયો હતો. રસ્તા પર બેભાન અવસ્થામાં મળી આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ નબરાજના મોબાઈલથી સંપર્ક કરી ઘરપરિવારને જાણ કરી હતી અને ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કરી નવી સિવિલ હોસ્પિટલમાં તા.૦૨ જાન્યુ.એ રાત્રે વાગ્યે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા.



જ્યાં માથામાં ગંભીર ઈજા અને હેમરેજનું નિદાન થતા સિવિલના આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. સઘન સારવાર બાદ તા.૪થીએ રાત્રે ૯.૪૯ વાગ્યે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. નેપાળી પરિવારના સભ્યોને સોટોની ટીમના, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના, કાઉન્સેલરએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ નબરાજના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. મગદલ્લાના ભાટિયા ફાર્મમાં રહેતા તેમના પત્ની ભગવતીબેન સહિત પરિવારે સંમતિ આપતા તા.૫મીએ બ્રેઈનડેડના કિડની અને લીવરને અમદાવાદની KD હોસ્પિટલ ખાતે તથા હ્રદય સિમ્સ હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયા વિભાગના વડાના માર્ગદર્શનમાં એનેસ્થેસિયાના ડોક્ટર્સની ટીમ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 52મુ સફળ અંગદાન થયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application