અમેરિકાના દક્ષિણ-પૂર્વીય રાજ્ય મિસિસિપીમાં શુક્રવારે મોડી રાતે આવેલા ભયાનક વાવાઝોડા અને તીવ્ર આંધીના કારણે ૨૩ લોકોનાં મોત થયા છે.
સૂત્રો મુજબ મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. મિસિસિપીની ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીએ શુક્રવારે મોડી રાતે કહ્યું હતું કે આ વાવાઝોડાંએ ૧૬૦ કિ.મી.થી વધુ વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો છે. તંત્રે શાર્કી-હમ્ફ્રીઝ કાઉન્ટીમાં શોધ, બચાવ કામગીરી હાથ ધરી છે.વાવાઝોડાંના કારણે અનેક ઈમારતોને નુકસાન થયું છે અને તે તૂટી પડી છે. આ ઈમારતોના કાટમાળમાં લોકો દટાયા હોવાની આશંકા છે. વાવાઝોડાંએ અનેક ગ્રામીણ વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે. આ વિસ્તારોમાં વૃક્ષો પડી જવાની તથા વીજળીની લાઈનો તૂટી જવાની ઘટનાઓ બની છે. વાવાઝોડાના કારણે અંદાજે ૧૪ લાખ લોકો અને ઉદ્યોગોનો વીજપૂરવઠો ખોરવાઈ ગયો છે.
ગવર્નર ટેટ રીવ્સે ટ્વિટર પર કહ્યું કે એમએસ ડેલ્ટામાં અનેક લોકોને આજે રાતે તમારી પ્રાર્થના અને ભગવાનની સુરક્ષાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે, વાવાઝોડું અને આંધીથી અસરગ્રસ્ત લોકો માટે વધુ એમ્બ્યુલન્સ અને અન્ય ઈમર્જન્સી સેવાઓ વધારવામાં આવી રહી છે. તેની સાથે જ રાહત અને બચાવ કાર્ય પણ ચાલુ છે.મિસિસિપી ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીએ ટ્વિટર પર કહ્યું કે આ કુદરતી આપત્તિમાં અંદાજે ૨૩ લોકોના મોત થયા છે અને અનેક ડઝન લોકો ઘાયલ થયા છે. અન્ય ચાર લાપતા હોવાના અહેવાલો છે. ૨૪મી માર્ચે મોડી રાતે આવેલા તોફાનના કારણે મિસિસિપીના ટાઉન રોલિંગ ફોર્ક તોફાનમાં સૌથી વધુ વિનાશ વેરાયો છે.
હવામાન વિજ્ઞાનીઓ મુજબ શિયાળાના મહિનાઓમાં દક્ષિણી અમેરિકામાં મોટાભાગે હિંસક તોફાનો આવે છે, કારણ કે મેક્સિકોની ખાડીમાંથી ગરમ, ભેજવાળી હવા ઉપર આવે છે અને ઠંડી હવા સાથે અથડાય છે. ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન માટે આહાર અને પીવાના પાણીની સુવિધા પૂરી પડાઈ રહી છે. તેના અંગે પ્રાથમિક્તા સાથે કામ કરાઈ રહ્યું છે. તેની સાથે જ ગુમ લોકોની શોધ ચાલુ છે. લોકોએ ધીરજ રાખવાની જરૂર છે.
હવામાન વિભાગે ઉમેર્યું કે, દક્ષિણના અન્ય રાજ્યો પણ શક્તિશાળી વાવાઝોડાં માટે તૈયાર છે. મિસિસિપ્પીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. હવામાન વિભાગે અગાઉ આ વિસ્તારમાં અનેક વાવાઝોડાની ચેતવણી આપી હતી. ઓક્લાહોમા યુનિવર્સિટીમાં હવામાન વિજ્ઞાન સ્કૂલના સેમ એમર્સને કહ્યું કે અત્યંત ઉચ્ચ-ક્ષમતાવાળા વાવાઝોડાએ ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી કાટમાળને ફંગોળ્યો હતો. અમેરી શહેર સાથે ટકરાનારા વાવાઝોડાની તાકાતથી ચિંતિત શહેરીજનો માટે પ્રાર્થના કરવા માટે પોતાના ટીવી પૂર્વાનુમાન થોડીક ક્ષણો માટે અટકાવી દીધું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500