Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમમાં યોજાયેલો “22મો ભારત રંગ મહોત્સવ-2023” સંપન્ન

  • February 27, 2023 

ભારતીય સંસ્કૃતિમાં મનોરંજન પુરૂં પાડવા માટે રંગમંચ સૌથી જૂનો વારસો છે. આ વારસાને જીવંત રાખવા તથા રંગમંચ સાથે જોડાયેલા રંગકર્મીઓની કલાને વધુ પ્રોત્સાહન મળી રહે તેવા શુભ આશય સાથે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય-દિલ્હી દ્વારા પ્રતિવર્ષ રંગ મહોત્સવ યોજવામાં આવે છે. આ વર્ષે “૨૨મો ભારત રંગ મહોત્સવ-૨૦૨૩” સંગીત નાટ્ય અકાદમી-ગાંધીનગર અને રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય-દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં પ્રથમ વખત એકતા ઓડિટોરિયમ ખાતે તા.૨૧મીથી ૨૬મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન યોજાયો હતો. જેનું મિહિર ભૂટા દ્વારા લિખિત અને હિન્દી સિનેમા જગતના જાણીતા કલાકાર મનોજ જોષી દ્વારા નિર્દેશિત-અભિનિત “ચાણક્ય” નાટક થકી રવિવારે સમાપન કરાયું હતું.








દિલ્હી ખાતેથી તા.૧૪મી ફેબ્રુઆરીના રોજ “ભારત રંગ મહોત્સવ”નો પ્રારંભ થયો હતો. જેનું દેશના ૯ રાજ્યોના ૧૦ શહેરોમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬ શહેરોમાં પ્રથમ વખત આ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો થયા હતા. આ રંગ મહોત્સવમાં જુદી જુદી ૧૬ ભાષાઓમાં કુલ ૮૦ નાટકો ભજવાયાં છે. જે પૈકી ૩૩ નાટકો દિલ્હીમાં અને ૪૮ નાટકો અન્ય શહેરોમાં ભજવાયાં હતાં. નાટકને સમાંતર પુસ્તક પરિચર્ચા, પુસ્તક લોકાર્પણ જેવા કાર્યક્રમો પણ કરવામાં આવ્યાં હતા. આ મહોત્સવ દરમિયાન રંગમંચ સાથે સંકળાયેલી હસ્તીઓને પણ ચર્ચામાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવતા તેઓએ નવા અભિનયને લઈને પોતાના પ્રતિભાવો પણ આપ્યાં હતા.








વિશ્વભરમાં ઉત્તમ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રથમ વખત યોજાયેલા રંગ મહોત્સવને મળેલા બહોળા પ્રતિસાદ બાદ એકતાનગર ખાતે યોજાયેલી પ્રેસકોન્ફરન્સને સંબોધતા નેશનલ સ્કુલ ઓફ ડ્રામા-દિલ્હીના ડાયરેક્ટર પ્રો.ડો.રમેશચંદ્ર ગૌરે જણાવ્યું કે, એકતાનગર(કેવડિયા)માં રંગ મહોત્સવને ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. જેના થકી એક નવો વિચાર આવ્યો અને રંગમંચને પ્રવાસન સાથે જોડવામાં આવે તો રેવન્યુ મોડલ જનરેશન મોડ પર લાવી તેને આગળ ધપાવી શકાય તેમ છે.








તેના માટે આપણા દેશના જેટલાં પણ પ્રવાસન સ્થળો છે ત્યાં રોજ ઓછામાં ઓછું એક નાટક ભજવાય અને પ્રવાસીઓ મનોરંજનનો લાભ મેળવી શકે. આ વખતનો રંગ મહોત્સવ વિવિધ રાજ્યોની સરકારો અને સ્થાનિક સંસ્થાઓને સાથે રાખીને કરવામાં આવ્યો જેના કારણે મહોત્સવ ખૂબ સફળ રહ્યો હોવાનું ડો. ગૌર ઉમેર્યું હતું. તેઓશ્રીએ વધુમાં કહ્યું કે, દેશની આઝાદીની સ્વતંત્રતાનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે આ વખતે યોજાયેલો રંગ મહોત્સવ પહેલાંના રંગ મહોત્સવ કરતાં જૂદો હતો. જેમાં માત્ર રાજ્ય સરકારો અને સંસ્થાઓ સાથે નહીં.








પરંતુ સ્થાનિક કલાકારોને પણ સ્ટેજ પુરૂં પાડવામાં આવ્યું અને સ્થાનિક કલાકારોને જ વધુ જવાબદારી સોંપવામાં આવી જેના કારણે સફળતા સાંપડી છે. ભારત રંગ મહોત્સવના માધ્યમથી કલાકારો માટે નવી દિશાઓ ખુલશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેઓએ વધુમાં જણાવ્યું કે, કોરોના મહામારીના સમયે રંગકર્મીઓ માટે ઊભું થયેલું જોખમ હવે નવા માર્ગે આગળ ધપી રહ્યું છે. રંગ મંચના માધ્યમથી સમગ્ર ભારત દેશને સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.







આ મહોત્સવની સફળતા ભારતીય નાટ્ય વિદ્યાલયને રંગમંચની નવી નીતિઓ નક્કી કરવામાં પણ સહાયક બળ બની રહેશે. ખાસ કરીને પ્રાદેશિક સંસ્કૃતિને સાથે જોડીને તેને કેવી રીતે આગળ ધપાવી શકાય તે માટે સ્થાનિક સરકારો અને કલાકારોએ આગળ આવીને કાર્ય કરવું પડશે. જેના થકી ગ્રામીણ ક્ષેત્રો સુધી રંગ મંચનો વિસ્તાર કરી શકાય, જ્યાંથી અસલમાં રંગમંચનો ઉદય થયો હતો. તેના માટે ગ્રામીણ સંસ્કૃતિને સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના થકી લોક પરંપરાઓને ફરીથી જીવંત કરી આગળ ધપાવી શકાય તેમ પણ તેઓશ્રીએ ઉમેર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News