Tapimitra News-વૈશ્વિક મહામારી "કોરોના" ના કહેર વચ્ચે જ્યારે સૌ કોઈ પોતાની તથા પોતાના પરિવારની સલામતીની ફિકર, ચિંતામાં પડ્યા છે. ત્યારે સરકારના ઉચ્ચ અમલદારો, કર્મયોગીઓએ તેમની સ્વયંની અને તેમના પરિવારજનોની ચિંતા કર્યા વિના, દેશ ઉપર આવેલી આ આફતના કપરા સમયમાં પૂર્ણ નિષ્ઠા સાથે તેમના કર્તવ્યનું પાલન કરીને, માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, જે બદલ ૨૩-બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી તથા સલામતી માટે રાતદિવસ ખડેપગે રહેલા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓની સેવા પરાયણતાની સુખદ નોંધ લઈ, સાંસદ શ્રી વસાવાએ વિશેષ કરીને સુરત મહાનગરના કમિશ્નરશ્રી અને પોલીસ કમિશ્નરશ્રી તથા સુરતના કલેકટરશ્રી, તથા પોલીસ અધિક્ષકશ્રી સહિત તાપી જિલ્લા કલેકટરશ્રી, તથા પોલીસ અધિક્ષકશ્રી, બન્ને જિલ્લાના આરોગ્ય અધિકારીશ્રીઓ સાથે તેમનું સમગ્ર આરોગ્ય તંત્ર જેમાં મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફે જે ચેલેનજીંગ ભૂમિકા ભજવી, અને લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પોલીસના જવાનોએ જે શિસ્ત અને સંયમ સાથે તકેદારી દાખવી રહ્યા છે, તે બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે.આ વિકટ પરિસ્થિતિમાં પોતાની પરવાહ કર્યા વિના, રાતદિવસ જોયા વિના પ્રજાની પડખે રહીને, જરૂરી તમામ પ્રકારની મદદ કરવા બદલ "૨૩-બારડોલી લોકસભા"ના તમામ પ્રજાજનોવતી સમગ્ર વહીવટી તંત્રનો સાંસદશ્રીએ લેખિતમાં આભાર વ્યક્ત કર્યો છે.
વિશ્વની સરખામણીએ ભારત દેશના નાગરિકોને બચાવવા માટે, પ્રધાનસેવક આદરણિય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સમય સૂચકતા અને તેમના દિશાનિર્દેશ અનુસાર દેશહિતના તમામ પગલાંઓના અસરકારક અમલિકરણને કારણે આપણને "કોરોના" સામેના આ મહાયુદ્ધમાં ધારવા કરતા ઘણું સારું પરિણામ જોવા મળી રહ્યું છે, જે આપસૌના કર્તવ્યભાવનું પરિણામ છે, તેમ પણ શ્રી વસાવાએ વધુમાં જણાવ્યું છે.વહીવટી તંત્રની સાથે પ્રેસ, મીડિયાના મિત્રો તથા માહિતી વિભાગની ભૂમિકાની પણ સરાહના કરી, તેમની નિષ્ઠા અને રાષ્ટ્ર ભાવનાને બિરદાવી સાંસદશ્રીએ તેમને પણ અભિનંદન પાઠવ્યા છે.સૌના પરિવારજનોની નિરામય તંદુરસ્તી માટેની શુભકામનાઓ સાથે, "PM CARES" માં સૌને યથાયોગ્ય દાન/ફાળો આપી/અપાવી, રાષ્ટ્રહિતના મોટા કાર્યમાં સૌને યોગદાન આપવાનો પણ શ્રી પ્રભુભાઈ વસાવાએ અનુરોધ કર્યો છે.સાંસદશ્રીએ રાજ્ય સરકારના આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓ કે જેઓ "કોરોના"ના સંક્રમણને અટકાવવા માટે ફરજ બજાવી રહ્યા છે, તેમની સાથે તેમની ફરજ દરમિયાન જો કોઈ અઘટિત ઘટના બને તો તેમના પરિવારને આર્થિક સધિયારો આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, તેની સરાહના કરી, મીડિયાકર્મીઓ માટે પણ આવી રાહત યોજના જાહેર કરેવા માટે, ગુજરાત સરકારને લેખિતમાં જાણ કરી છે, તેમ વધુમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500