મેઘરાજા ફરીથી ગુજરાતને ધમરોળી રહ્યા છે. બે દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં રાજ્યના 102 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કચ્છમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અબડાસા તાલુકામાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભુજમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે. ભુજનું ઐતિહાસિક હમીરસર સરોવર આજે ઓવરફલો થતા લોકોમાં આનંદની લાગણી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં પણ સાડા 4 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 21 તાલુકામાં 2 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. ગુજરાતના 65 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જીલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં 12થી 15 ફૂટ પાણી ભરાયા છે. જેને કારણે પ્રાચીન માધવરાય ભગવાનનું મંદિર જળમગ્ન થઇ ગયું છે.
કચ્છના નખત્રાણામાં વરસાદને કારણે સ્ટેશન જેવા દૃશ્યો જોવા સર્જાયા છે. નખત્રાણાનો કડિયા ધ્રોમાં વરસાદી પાણી વહી નીકળ્યા છે જેને કારણે સમગ્ર વિસ્તાર સોળેકળાએ ખીલી ઉઠ્યો છે.અમદાવાદ શહેરમાં ગતરાતથી હળવો વરસાદ વરસી રહ્યો છે. આ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વડગામમાં વરસાદ વરસતા વચ્ચે ભરોડમાં વીજળી પડતા બે પશુના મોત થયા હતા.
હજુ આગામી બે દિવસ રાજ્યના અનેક પંથકમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે પણ મોટાભાગના જિલ્લામાં વરસાદ પડશે. હવામાન વિભાગે બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના મોરબી જીલ્લામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સિવાય પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત,નવસારી,વલસાડ,રાજકોટ,જામનગર અને કચ્છમાં ભારે વરસાદ થવાની આગાહી છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 40.30 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છ જિલ્લામાં સિઝનનો સરેરાશ 104.4 ટકા, સૌરાષ્ટ્રમાં સરેરાશ 58.1 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 39.6 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 30.9 ટકા વરસાદ અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 27.7 ટકા વરસાદ પડ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500