Tapimitra News-આફતની સામે એક થઇને લડવું એ ગુજરાતીઓનો સ્વભાવ છે. વિકટ સમયમાં ગરીબોની વ્હારે આવવું એ ગુજરાતીઓના લોહીમાં છે. કોરોના વાઇરસની સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ત્યારે રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણની વિકટ પરિસ્થિતિમાં માનવતાના ઉદાહરણરૂપ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે એ જોઈને એવું લાગે છે કે હજી માનવતા મરી પરવારી નથી. સુરતના આવા જ એક સેવાના ભેખધારી નાગરિક શ્રી મુકેશભાઈ જોશીની સેવાકીય પ્રવૃત્તિએ માનવતાની મહેક પ્રસરાવી છે. સુરતના વરાછા વિસ્તારમાં યોગી ચોક પાસે રહેતા મુકેશભાઇ જોશી મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલા મધ્યમવર્ગીય પરિવારના મુખ્ય વ્યક્તિ છે. વડાપ્રધાનશ્રીએ લોકડાઉન જાહેર કર્યું ત્યારે જ ઋઝું હ્રદય અને સંવેદનશીલ સ્વભાવ ધરાવતાં મુકેશભાઈએ તેમના ધર્મપત્ની ભાવનાબેને એક સંકલ્પ કર્યો કે, દેશ પર આફત આવી પડી છે ત્યારે આપણાથી ઘરે બેસીને જે પણ સેવા થઈ શકે તે સેવા કરવી છે અને રાષ્ટ્રઋણ અદા કરવું છે.લોકડાઉનની પરિસ્થિતિમાં સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં છૂટક મજૂરી કરતા રોજમદાર મજૂરોની રોજગારી બંધ થઇ જતાં તેમની હાલત સૌથી કફોડી હોવાનું ધ્યાને આવતાં મુકેશભાઈએ અને તેમના પત્નીએ શક્ય તેટલા ગરીબ મજૂરોને દરરોજ જમાડવાનો નિશ્ચય કર્યો. રાજ્ય સરકાર, સામાજિક સંસ્થાઓ, વહીવટીતંત્ર પરસ્પર સહયોગથી દિવસરાત જોયા વિના સેવા કરે છે, પણ સરકાર કેટકેટલી જગ્યાએ પહોંચે ? સરકારને મદદરૂપ થવું હોય તો આ જ શ્રેષ્ઠ સમય છે, આવા કપરા સમયે આપણાથી જેટલી થાય એટલી સેવા કરવી એવું નક્કી કરીને પતિપત્નીએ પોતાની અંગત બચતમાંથી તા.૨૫મી માર્ચથી જ પોતાના ઘરે જ ભોજન બનાવવાનું શરૂ કર્યું. ભોજન તૈયાર કરવામાં પરિવારના જ બધા સભ્યો સવારથી લાગી જાય અને રોજ સાંજે લગભગ ૭૦૦થી વધુ માણસોનું ભોજન તૈયાર કરે છે. ભોજન તૈયાર થાય એટલે કેટલીક સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો આવીને લઇ જાય છે અને ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા મજૂરો સુધી પહોંચાડી દે છે. ભોજન તૈયાર કરવામાં જે ખર્ચ થાય એ બધો જ ખર્ચ મુકેશભાઈનો પરિવાર જ ભોગવે છે. કોરોના આપત્તિના સમયમાં મદદનો હાથ લંબાવવાનો આ સૌથી ઉત્તમ સમય છે એવા વિચારે એમને આ સેવાયજ્ઞ શરૂ કરવા પ્રેરિત કર્યા હતા. તેમનું સેવાકાર્ય જોઈ ઘણાં પરિચિતોએ મદદ માટે પ્રસ્તાવ રાખ્યો, પરંતુ તેઓ કોઈ પાસેથી મદદ લેવાનો વિનમ્રતાથી ઇન્કાર કરે છે. લોકડાઉનના છેલ્લાં ૧૬ દિવસથી સેવાભાવી જોશી પરિવારનો મોટા ભાગનો સમય શ્રમિકો માટે ભોજન બનાવવામાં જ પસાર થાય છે. સેવાકાર્ય દરમિયાન પ્રસિદ્ધિથી દૂર રહી તેઓ સતત કામ કરી રહ્યા છે. મુકેશભાઇ જેવા કંઈ કેટલાય સેવાના પર્યાયરૂપ માણસો અને સંસ્થાઓ સાચા અર્થમાં માનવતાના સારથિઓ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application