નાશિક નજીક ત્રંબેકેશ્વરનાં ડુગરવાડી ધોધ પર રવિવારે ફરવા ગયેલા 23 ટુરિસ્ટો ભારે વરસાદને પગલે ડુગરા નદી બેકાંઠે વહેવા માંડતા ફસાઇ ગયા હતા. જયારે સ્થાનિક લોકોએ, વનવિભાગનાં કર્મચારીઓએ અને પોલીસે કલાકોની જહેમત બાદ 22 ટુરિસ્ટને હેમખેમ બચાવી લીધા હતા પણ એક વ્યક્તિ નદીનાં ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયાની શક્યતા છે. બનાવની વિગત એવી છે કે, ત્રંબકેશ્વર પોલીસે જણાવ્યું હતું કે 23 ટુરિસ્ટોનું ગ્રુપ જ્યારે રવિવારે સાંજે ડુગરવાડી ધોધની દિશામાં જઇ રહ્યું હતું.
ત્યારે જ ગ્રામજનોએ તેમને ચેતવ્યા હતા કે, ભારે વરસાદને લીધે ડુગરા નદીમાં સપાટી વધી રહી છે, એટલે જવામાં બહુ જોખમ છે. પણ ચેતવણી અવગણીને બધા પહોંચ્યા હતા. જ્યારે ધોધ પર પહોંચ્યા ત્યારે પાણીની સપાટી વધવા માંડતા બધા ખડકો પર અટવાઇ ગયા હતા. આસપાસ પાણી ફરી વળતા નીકળવાનું મુશ્કેલ બની ગયું હતું.
જોકે ડુગરાળ વિસ્તારમાં આવેલી જગ્યાને કારણે મોબાઇલ કનેક્શન પણ મળતું નહોતું. ત્યાં સુધીમાં રાત પડતા અંધારું છવાઇ ગયું હતું. બધા તેમને બચાવી લેવા માટે જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા. નજીકના ગામડાના કેટલાક લોકોએ બૂમ સાંભળીને તરત જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. ફોરેસ્ટ ખાતાએ ત્રંબકેશ્વર પોલીસને અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કન્ટ્રોલને સતર્ક કરતા થોડીવારમાં જ ટુરિસ્ટોને બચાવવા માટે બધા દોડી આવ્યા હતા.
સ્થાનિક ટ્રેકર્સ ટીમ અને ગામવાળા પણ બચાવ કાર્યમાં જોડાયા હતા અને મોટા દોરડા બાંધીને એક પછી એક ટુરિસ્ટને કિનારે લાવતા મધરાતે દોઢ વાગી ગયો હતો. 22 જણ હેમખેમ ઉગરી ગયા હતા. કમભાગ્યે બિડ જિલ્લાના આંબેજોગાઇ ગામના અવિનાશ ગરાડ નામના પર્યટકનો પત્તો નહોતો લાગ્યો. એટલે તે નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયાની શક્યતાને આધારે સવાર સુધી શોધખોળ કરવામાં આવી હતી. પણ તેનો પત્તો નહોતો લાગ્યો. ગાઢ અંધકારમાં મોબાઇલનાં અને ટોર્ચનાં અજવાળે આ બચાવ કામગીરી પાર પાડવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500