દક્ષિણ કોરિયામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી લગભગ 22 લોકોનાં મોત થયા છે, જ્યારે 14 લોકો લાપતા છે. પૂરનાં કારણે હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા પડ્યા છે. હાલમાં સરકારી એજન્સીઓ પૂરના કારણે થયેલા નુકસાનનું આકલન કરી રહી છે. આ સ્થિતિમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઓસોંગ શહેરમાં સબવેમાં 19 વાહનો ડૂબી ગયા છે. મોટાભાગનાં મૃત્યુ ઉત્તર ગ્યોંગસાંગમાં થયા છે, જ્યાં ભૂસ્ખલન અને મકાન ધરાશાયી થવાથી 16 લોકોનાં મોત થયા હતા. સ્થાનિક મીડિયાએ સેન્ટ્રલ ડિઝાસ્ટર એજન્સીને ટાંકીને અહેવાલ આપ્યો હતો.
આ સાથે જ સરકારી એજન્સીઓ દેશભરમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરતી હોવાથી જાનહાનિમાં વધારો થવાની સંભાવના છે. જોકે શુક્રવારે પણ દક્ષિણ ચુંગચેઓંગ પ્રાંતના નોનસાન વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક ઇમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા. સેજોંગ શહેરમાં ભૂસ્ખલનથી એક વ્યક્તિનું મોત થયું હતું. આ સિવાય દક્ષિણપૂર્વીય કાઉન્ટી યેઓંગજુ અને ચેઓંગયાંગની મધ્ય કાઉન્ટીમાં મકાન ધરાશાયી થવાથી ત્રણ મૃત્યુ નોંધાયા હતા. આ ઉપરાંત ચેઓંગજુમાં ભૂસ્ખલનથી કાર અથડાતાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઓસોંગમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે નવ અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અચાનક પૂર બાદ શહેરના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પૂરમાં 19 વાહનો ડૂબી ગયા છે. જો કે કારમાં કેટલા લોકો સવાર હતા તેની માહિતી હજુ મળી શકી નથી. ગોસાન ડેમ સ્થાનિક સમય મુજબ સવારે 6:30 વાગ્યાની આસપાસ પાણીથી ભરવાનું શરૂ થયું, જેના કારણે ગોસાનમાં લગભગ 6 હજારથી વધુ રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. એક સ્થાનિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં ભારે વરસાદને કારણે કુલ 4 હજારથી વધુ લોકોએ અસ્થાયી આશ્રયસ્થાનોમાં આશરો લેવો પડ્યો હતો. પૂરને કારણે 59 જાહેર મિલકતોને નુકસાન થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500