Tapimitra News-કોરોના વાઈરસના સંક્રમણથી બચવા લૉકડાઉન કરાયું હોવાથી ટ્રેનોને ફરી પાટા પર લાવવાનો દિવસ હજુ નક્કી નથી કરાયો. જો ૧૫ એપ્રિલે લૉકડાઉન પૂરું થશે તો સોશિયલ ડિસ્ટન્સિંગની શરતે જ ટ્રેનો દોડાવાશે. રેલવે બોર્ડે મંગળવાર અને બુધવારે તમામ રેલવે ઝોનના વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ મુદ્દે સૂચનો માંગ્યા હતા. આ બેઠકમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ ક્યાં છે, તેના આધારે જુદા જુદા ઝોન નક્કી કરવાનું પણ વિચારાયું હતું. ત્યાર પછી પસંદગીના ઝોનમાં ટ્રેનો દોડાવાશે, પરંતુ હોટ સ્પોટ પર ટ્રેન ઊભી નહીં રખાય અને મિડલ બર્થ પણ ખાલી રખાશે, જેથી મુસાફરો વચ્ચે અંતર જળવાઈ રહે. આ ઉપરાંત માસ્ક ફરજિયાત પહેરવા જેવી શરતો પણ લાગુ કરાશે. આ મુદ્દે મંજૂરી મળ્યા પછી ૧૧ થી ૧૪ એપ્રિલ વચ્ચે અંતિમ નિર્ણય લેવાશે. જો ટ્રેનો દોડાવવા મુદ્દે સંમતિ બની, તો દેશમાં કોરોના વાઈરસના શંકાસ્પદો અને દર્દીઓના આધારે રેલવે ટ્રાફિકને રેડ,યલો અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવશે. ત્યાર પછી ગ્રીન ઝોનમાં રેલવે સેવા સંપૂર્ણપણે ચાલુ કરાશે, જ્યારે યલો ઝોનમાં જરૂરિયાત પ્રમાણે ટ્રેનો દોડાવાશે, પરંતુ રેડ ઝોનમાં ટ્રેનો નહીં ચાલે. હાલ ફક્ત સ્પેશિયલ અને પ્રીમિયમ ટ્રેનો જ ચલાવાશે, જ્યારે શેડ્યુલ ટ્રેનો નહીં દોડાવાય. ૩૦ એપ્રિલ સુધી આ રેડ ઝોન રહી શકે છે. હાલની સ્થિતિ જોતા મુંબઈ , દિલ્હી , સિકંદરાબાદ , ચેન્નઈ અને બેંગલુરુ રેડ ઝોનમાં રહી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500