Tapi mitra News-લોકડાઉનના સમયગાળા દરમિયાન દેશના વિવિધ પ્રાંતોમાં દૂધ, ખાદ્યતેલ, મસાલા સહિત વિવિધ ખાદ્ય-સામગ્રીને પહોંચાડવા માટે બીજી વધારાની સાત પાર્સલ એક્સપ્રેસ ટ્રેનની ૩૬ સેવાઓ દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદથી આસામના ગૌહાટી અને સુરતથી ભાગલપુર સેવાનો સમાવેશ થાય છે. આવશ્યક ચીજ-વસ્તુઓના પુરવઠાને દેશના વિવિધ પ્રાંતોમાં પહોંચાડવા માટે બીજી વધારાની પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો તા.૧૫મી સુધી દોડાવાશે એમ પશ્ચિમ રેલવેની એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે. અમદાવાદથી ગૌહાટીના અને સુરતથી ભાગલપુરના ચાર-ચાર ફેરા તથા લીંચ થી સાલચપરા બે ફેરાઓ છે.આ ઉપરાંત મુંબઈ સેન્ટ્રલથી ફિરોજપુર ૮, બાંદ્રા ટર્મિનસ ઓખા ૬, દાદર ભુજ ૬ અને પોરબંદર શાલીમાર ૬ સેવાઓ દોડવાનું નક્કી કરવામાં આવ્યું છે. દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધિઓની મુશ્કેલીને નિવારવા માટે આ વધારાની પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો દોડશે.આ અગાઉ પશ્ચિમ રેલવે અમદાવાદ કાંકરિયાથી પશ્ચિમ બંગાળના સંકરેલ ટર્મિનસ, બાંદ્રા ટર્મિનસથી લુધીયાણા અને કરમ બેલી ગુજરાતથી ચાંગસરી માટે પાર્સલ એક્સપ્રેસ ટ્રેનની સેવાઓ દોડાવી ચૂકી છે.કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા. ૧૪મી એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યા પછી રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે, આથી પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો મારફતે પશ્ચિમ રેલવે દૂધ, દૂધની બનાવટો, ખાદ્યતેલ, મરી મસાલા, કરિયાણાનો સામાન અને બિસ્કિટ જેવી ચીજવસ્તુઓ દેશના વિવિધ પ્રાંતમાં પહોંચાડી રહી છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500