Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં કોરોનાના ૧૬૪ શંકાસ્પદ,૧૫૦ નેગેટિવ,૧૦ પોઝીટિવ અને ચાર રિપોર્ટ પેન્ડીંગ

  • April 04, 2020 

Tapimitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ તા.૩ એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના ૧૬૪ શંકાસ્પદ, ૧૫૦ નેગેટિવ, ૧૦ પોઝીટિવ અને ચાર રિપોર્ટ પેન્ડીંગ છે. લિંબાયત ઝોનમાં હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ કરનાર એક વ્યક્તિ વિરુદ્ધ એફ.આઇ.આર કરવામાં આવી છે. સુરતમાં હોમ ક્વોરેન્ટાઇન ભંગના કુલ ૧૧ કેસો કરાયા છે. જ્યારે કોવિડ-૧૯ ટ્રેકર એપ્લિકેશન પર છેલ્લાં ત્રણ દિવસનો હેલ્થ રિપોર્ટ સબમીટ ન કરવાના કારણોસર ૨૩ વ્યક્તિઓ વિરુદ્ધ પ્રત્યેકને રૂ.પાંચ હજારનો દંડ વસુલ કરવાની નોટિસ આપવામાં આવી છે. રિજનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર ૨૨ માર્ચ પછી ૧૩૦ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રહેવા અને કોવિડ-૧૯ ટ્રેકર એપ્લિકેશન અચૂક ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરવા સુચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, શહેરમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી અંતર્ગત આજ સુધી ૭૪૫૪ એ.આર.આઈ. ના કેસો નોંધાયા છે. જેનું કોરોના સંદર્ભે ઝીણવટભર્યું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ૨૫૫૩ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. તેમજ આજ સુધી શહેરમાં ૧૯,૪૪૦ જાહેર અને જરૂરી સ્થળોએ ડિસઇન્ફેક્શન અને સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. શહેરના સેવાભાવી નાગરિકો-સંસ્થાઓનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, કોરોના સંકટમાં આજ સુધી ૧,૩૬,૪૧૪ કિલોગ્રામ ખાદ્યસામગ્રી તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ સુરત મહાનગરપાલિકાને સેવાભાવી નાગરિકો-સંસ્થાઓ દ્વારા સેવાર્થે આપવામાં આવી છે. મ્યુ.કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર કોરોના ડેશબોર્ડ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં નવા નોંધાયેલા પોઝિટિવ દર્દીઓ, શંકાસ્પદ કેસો, ડિસ્ચાર્જ થયેલા અને મૃત્યુ પામેલા દર્દીઓની અધિકૃત માહિતી દરરોજ અપડેટ કરવામાં આવશે. શહેરના નાગરિકો વેબસાઈટની મુલાકાત લઇ જરૂરી વિગતો મેળવી શકશે. મનપા કમિશનરે શહેરના આરોગ્ય કેન્દ્રો પર લેવામાં આવતી ૧૦ રૂ.ની કેસ ફી લેવામાં નહી આવે એવી જાહેરાત કરી હતી, જેથી શહેરીજનો વિનામૂલ્યે કેસ કાઢવી આરોગ્ય તપાસ કરાવી શકશે. શહેરના કેટલાક મલ્ટીલેવલ પાર્કિંગને અદ્યતન આઈસોલેશન વોર્ડમાં ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application