Tapimitra News-કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ૨૩ રાજ્યો અને ૮૨ જિલ્લાઓમાં આજથી લોકડાઉનનો પ્રારંભ થયો છે. આજથી ૩૧મી સુધી યાત્રી ટ્રેન સેવા રદ્દ કરવામાં આવી છે, તો બસ વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી સહિતના રાજ્યોમાં આજે સવારથી લોકડાઉન શરૂ થતા જ અનેક વિસ્તારોમાં દૂધ અને શાકભાજી તથા રાશન લેવા લોકોની ભીડ જામી હતી. આજથી તમામ દુકાનો, ફેકટરીઓ, વર્કશોપ, ખાનગી અને સરકારી કાર્યાલયો, ગોદામો અને બજારો સંપૂર્ણ રીતે બંધ રહ્યા છે. લોકોને ઘરમાં જ રહેવા જણાવાયુ છે. માત્ર જરૂરી સામાન લેવા જ ઘરની બહાર લોકો નિકળી શકશે અને તે પણ ઘરની આસપાસ. જો કે જરૂરી ચીજવસ્તુઓ વેચતી દુકાનો ખુલી રહી છે. જેમકે દુધની દુકાનો, કરીયાણા સ્ટોર, મેડીકલ સ્ટોર, બેન્ક, અખબારો વગેરે. વિજળી અને પાણી વિભાગ પણ ચાલુ રહ્યો છે. સફાઈ કર્મચારીઓએ પણ આજે ફરજ બજાવી હતી. ગુજરાતના સુરત સહિત ૬ મહાનગરોમાં લોકડાઉનનો આજથી પ્રારંભ થયો છે. લોકડાઉન દરમિયાન દુકાન અને ઓફિસ ખુલ્લી રાખનારાઓને જેલમાં ધકેલી દેવા ચેતવણી આપી દેવામાં આવી છે. જે દુકાનો ખુલી હતી તેને બંધ કરાવવા માટે પોલીસ અને કોર્પોરેશનની ટીમો કામે લાગી છે. શહેરોમાં બસ, ટ્રેન, બીઆરટીએસ સહિતની પરિવહન સેવાઓ પણ બંધ રહી છે. ખાનગી વાહનો પણ નહિવત સંખ્યામાં દોડી રહ્યા છે. જેના કારણે રાજમાર્ગો પર સન્નાટો છવાયો છે. દેશના કુલ ૨૩ રાજ્યોમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાને લાંબી લડાઈ લડવા લોકોને અનુરોધ કર્યો છે. તેમણે એક ટવીટ કરી લોકડાઉનને ગંભીરતાથી લેવા જણાવ્યુ છે. પંજાબ, રાજસ્થાન, ઉતરાખંડ, દિલ્હી, છત્તીસગઢ, તેલંગણા, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડમાં ૩૧મી સુધી લોકડાઉન છે, તો પ.બંગાળમાં ૨૭મી સુધી બંધ રહેશે. દરમિયાન જાણવા મળ્યા મુજબ આજે સુરતમાં લોકડાઉન હોવા છતા લોકો બહાર નિકળ્યા છે. પોલીસ અને તંત્રએ તેઓને ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી છે.તો કેટલાક સામે ગુનો પણ દાખલ કર્યો છે બારડોલી નગરમાં પ્રવેશતા તમામ માર્ગો સીલ કરી દેવામાં આવ્યા છે,પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
High light-કોરોનાને પ્રસરતો અટકાવવા માટે સોનગઢ,ઉચ્છલ અને નિઝર સાથે જોડાયેલી મહારાષ્ટ્રની બોર્ડર પરથી અવર જવર પર રોક લગાવાઈ
સોનગઢ આરટીઓ ચૅકપોસ્ટ ના માર્ગે ગુજરાતમાં પ્રવેશતા તમામ ખાનગી અને ગુડ્સ વાહનો માં સફર કરતા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે.નવો આદેશ ના જાહેર થાય ત્યાં સુધી આ રોક ચાલુ રહેશે.ગુડ્સ અને ખાનગી વાહનો નેજ પ્રવેશ આપવામાં આવ્યો છે, અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો તેમજ અન્ય નિગમોની બસો ને સરકાર દ્વારા ગુજરાતમાં પ્રવેશબંધી કરી દેવામાં આવી છે..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500