મુંબઇ બાદ હવે સ્વાઇન ફ્લુનો ચેપ પડોશી થાણે શહેરમાં પણ ફેલાયો છે. હાલ થાણેમાં સ્વાઇન ફ્લુનાં 20 દર્દીઓ હોવાના સમાચાર મળે છે. અત્યાર સુધીમાં બે મહિલા દર્દીનાં મૃત્યુ થયાં છે. સ્વાઇન ફ્લુ ઉપરાંત, થાણેમાં ડેન્ગુનાં 8 અને મેલેરિયાનાં 14 દર્દીઓ પણ નોંધાયાં હોવાની માહિતી મહાનગરપાલિકાનાં આરોગ્ય ખાતાનાં સૂત્રોએ આપી હતી. થાણે મહાનગરપાલિકાનાં આરોગ્ય ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે, આજ દિવસ સુધીમાં થાણે શહેરમાં સ્વાઇન ફ્લુને કારણે બે મહિલા દર્દીનાં મૃત્યુ થયાં છે.
આ બંને મહિલા દર્દી થાણે શહેરના કોપ્રી વિસ્તારની હતી. એક મહિલા દર્દીની ઉંમર 71 વર્ષની જ્યારે બીજી મહિલા દર્દીની વય 51 વરસની હતી. પહેલી મહિલા દર્દીને ગત 14, જુલાઇએ સારવાર માટે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે મહિલા દર્દીનું મૃત્યુ ગત 19, જુલાઇએ હાર્ટ એટેકને કારણે થયું હતું.
બીજી મહિલા દર્દીને ગત 14, જુલાઇએ સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે બીજી મહિલા દરદી પણ 18, જુલાઇએ મૃત્યુ પામી હતી. આવી ગંભીર પરિસ્થિતિને કારણે થાણે મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીઓએ કોપ્રી વિસ્તારની તપાસ પણ શરૃ કરી છે. આરોગ્ય ખાતાના અધિકારીઓએ અત્યાર સુધીમાં 600 ઘરનાં સભ્યોની તબીબી તપાસ કરી છે. જોકે એક પણ વ્યક્તિમાં સ્વાઇન ફ્લુનાં લક્ષણો જોવા નથી મળ્યાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500