ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI), અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા બોગસ બિલિંગ મારફતે ખોટી રીતે ઈન પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવા અને IGST રીફંડ માટેના ક્લેઈમ કરીને રૂ.20 કરોડની કરચોરીનો પર્દાફાશ કર્યો છે અને કિસ્સામાં એક શખ્સની ધરપકડ કરીને તેને મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં આરોપીને 14 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.
'બાગબાન બ્રાન્ડ' અને RMD બ્રાન્ડની તમાકુની બે મેન્યુફેક્ચરિંગ કંપની એક કંપની મે.જે.ડી. ઈન્ટરનેશનલની સંડોવણી માલૂમ પડી છે. મે. જે. ડી. ઈન્ટરનેશનલની માલિકી દિપેશ જૈનની છે પરંતુ તેનો અંકુશ અને સંચાલન હર્ષ પટેલ કરતો હોવાનું જાણવા મળે છે. આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ચાવવાની તમાકુનું મેન્યુફેક્ચરિંગ અને વેચાણ, નિકાસ કરતી પેઢીઓ દ્વારા વાસ્તવમાં માલમાસામનો સપ્લાય નહીં કરીને ફક્ત બોગસ ઈન્વોઈસ રજૂ કરીને ખોટી રીતે ITC મેળવતી હોવાની અને ખોટી રીતે IGSTના ક્લેઈમ કરીને કરચોરી કરતી હોવાની મળેલી બાતમીના આધારે DGGI, અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા એક સાથે 15 પ્રિમાઈસીસ પર દરોડા પાડયા હતા અને હિસાબી ચોપડા અને ઈલેક્ટ્રોનિક સહિત મોટાપાયે વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ઇય્સ્ બ્રાન્ડની તમાકુની નિકાસ કરી હોવાનું દર્શાવીને ખોટી રીતે રૂ. 20 કરોડની ઈન પુટટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ કેસમાં હર્ષ પટેલના કર્મચારીઓ, સપ્લાયર્સ, એજન્ટો અને જોબ વર્કર્સ સહિત પક્ષકારોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને હર્ષ પટેલના સ્ટેટમેન્ટનું રેકોર્ડિંગ કરાયું છે, જેમાં તેણે મે. જે. ડી. ઈન્ટરનેશનલનું સંચાલન અને અંકુશ ધરાવતો હોવાની અને ખોટી રીતે ITC મેળવી હોવાની કબૂલાત કરી છે. આ કિસ્સામાં તા. 13 ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો અને કોર્ટે તેને 14 દિવસના રિમાન્ડ આપ્યા છે. આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500