Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધારે રૂપિયા લઇ ડ્રાઇવિંગ લાયસન્સ અને ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરાવી આપતા 2 ઝડપાયા

  • March 05, 2024 

વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવુ હાલમાં ખુબજ કપરુ છે. વાહન ચાલકો માટે લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયામાંથી પસાર થવુ એટલે સાત કોઠા વીંધવા સમાન સ્થિતિ છે. જેને આરટીઓ એજન્ટો સહિત વચેટીયાઓ મોટો ફાયદો ઉઠાવતા હોય છે. જેને લઈ પાલનપુરમાં એક વાહન ચાલકે એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામા આવ્યુ હતુ. એસીબીએ ડાયરેક્ટ લાયસન્સ નિકાળવાનું સેટિંગ કરી આપવાનું કહીને પૈસા પડાવતા બે એજન્ટોને ઝડપી લીધા છે. એસીબી દ્વારા જોકે હવે આરટીઓ અને લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં કોણ કોણ આ બંને એજન્ટો સાથે સંકળાયેલ છે એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી શકે છે.


આમ કરવામાં આવે તો, રેલો આરટીઓ કચેરીમાં કર્મચારીઓ અને અધિકારીઓ સુધી પહોંચશે કેમ કેમ એવા પણ સવાલો થવા લાગ્યા છે. બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એનએ ચૌધરીને એક ફરિયાદ મળી હતી. જે મુજબ ફરિયાદીએ બતાવ્યુ હતુ કે, ડ્રાઇવિંગ લાયસન્સ માટે ડાયરેક્ટ પાસ થવાનું સેટિંગ કરી આપવામાં આવે છે. આ માટે કેટલીક રકમ પણ વચેટિયાઓ દ્વારા મેળવવામા આવે છે. જેને લઇ એસીબી પીઆઈએ છટકું ગોઠવ્યુ હતુ. જે મુજબ આરટીઓ કચેરીની સામે જ આવેલા સત્યમ સીટી કોમ્પલેક્ષમાં આવેલ ગોસ્વામી ઓનલાઈન ઓફિસમાં ફરિયાદ ટ્રેપના આયોજન મુજબ પહોંચ્યા હતા. જ્યાં ફરિયાદીને લર્નિંગ લાયસન્સ માટે આરોપી અક્ષય નારણભાઈ પ્રજાપતિએ ઓનલાઇન ફોર્મ ભરાવ્યુ હતુ.


જે માટે કાયદેસરની ફી પણ 900 રુપિયા વસુલ કરી હતી. ફી ભર્યા બાદ કોમ્પ્યુટર ટેસ્ટ માટે આઈટીઆઈ પાલનપુર ખાતે જવુ પડશે. જેમાં ડાયરેક્ટ પાસ થવા માટે સેટિંગ કરવા માટે 3300 રુપિયાની માંગણી કરી હતી. જેમાં અક્ષય પ્રજાપતિ ઉપરાંત બીજા એક એજન્ટ અકીલહુસૈન સલીમહુસૈન સૈયદે પણ આ અંગેની માંગણી કરી હતી. આ બંનેએ ડાયરેક્ટ પાસ થવા માટે પૈસાની માંગ કરી હતી. એસીબીએ છટકુ ગોઠવતા જ્યાં આ દરમિયાન બંને આરોપીઓએ સેટિંગ કરવા માટે લાંચની રકમ આપવા માટે વાતચીત કરી હતી. જે લાંચની રકમ અક્ષય પ્રજાપતિએ સ્વિકારી હતી. લાંચ સ્વિકારતા જ એસીબીએ બંનેને ઝડપી લીધા હતા. બંનેને ઝડપી લીધા બાદ હવે આ લાંચમાં કોનો કોનો હિસ્સો છે અને કોને રકમ ચૂકવવાની હતી એ દિશામાં પણ તપાસ શરુ કરવામાં આવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application