શું તમને પણ સોશિયલ મીડિયા દ્વારા આવો કોઈ મેસેજ મળ્યો છે કે નવા વર્ષે 1000 રૂપિયાની નવી નોટ આવશે અને 2000ની નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો જવાબ હા છે, તો તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા થોડા દિવસો પહેલા પુષ્ટિ કરવામાં આવી હતી કે 2018-19 પછી 2000 રૂપિયાની નોટના પ્રિન્ટિંગ માટે કોઈ નવો ઇન્ડેન્ટ આપવામાં આવ્યો નથી. તેના પછી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 જાન્યુઆરી 2023થી 1000 રૂપિયાની નોટો પાછી આવી રહી છે. આ દાવામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની સાથે 2000 રૂપિયાની નોટ પણ બેંકમાં પાછી આવશે. પરંતુ આપને જણાવી દઈએ કે આ દાવો સાચો નથી.
વીડિયોમાં ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે
વાચકોએ આવા કોઈપણ સમાચાર સાથે અપડેટ રહેવાની જરૂર છે જેમાં ખોટા દાવા કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે સરકારની 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની અને 1000 રૂપિયાની નોટો ફરી લાવવાની કોઈ યોજના નથી. આપને જણાવી દઈએ કે સરકારે નોટબંધી હેઠળ નવેમ્બર 2016માં 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. તેની જગ્યાએ આરબીઆઈ દ્વારા 2000 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી હતી.
ફેક મેસેજને આગળ ફોરવર્ડ ન કરો
કેન્દ્ર સરકારના અધિકૃત ફેક્ટ ચેકર 'પીઆઈબી ફેક્ટ ચેક' (PIB Fact Check) એ લોકોને આવા નકલી અને ભ્રામક મેસેજિસ ફોરવર્ડ કરવા સામે ચેતવણી આપી છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ દાવો ખોટો છે. મહેરબાની કરીને આવા ફેક મેસેજ ફોરવર્ડ ન કરો, આ ટ્વીટ PIB દ્વારા 16 ડિસેમ્બરે કરવામાં આવી છે. મેસેજમાં ફરી કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કોઈપણ પ્રકારનો નવો માગપત્ર નથી આપવામાં આવ્યો
હાલમાં જ નાણા મંત્રાલય વતી સંસદમાં એક લેખિત પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2018-19થી પ્રેસને 2000 રૂપિયાની નોટ છાપવા માટે કોઈ નવી માંગણી કરવામાં આવી નથી. આ સિવાય નકલી નોટોના સર્ક્યુલેશન અંગે માહિતી આપતાં નાણાં મંત્રાલયે રાજ્યસભામાં જવાબ આપ્યો હતો કે નાણાકીય વર્ષ 2021-22માં બેન્કિંગ સિસ્ટમમાં 2,30,971 નકલી નોટો મળી આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500