Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એલ.પી.જી.નાં 19 કીલોનાં સિલિન્ડરનાં ભાવમાં રૂપિયા 83.5નો ઘટાડો થયો

  • June 02, 2023 

હોટેલ અને રેસ્ટોરન્ટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા કોમર્શિયલ એલપીજીનાં 19 કીલોનાં સિલિન્ડરના ભાવમાં 83.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સળંગ ત્રીજા મહિને એલ.પી.જી. સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓઇલના ભાવ ઘટવાને કારણે જેટ ફ્યુઅલ (એટીએફ) એટલે કે વિમાન ઇંધણના ભાવમાં સાત ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર દિલ્હીમાં 19 કીલોના એલ.પી.જી. કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1856.5 રૂપિયાથી ઘટીને 1773 રૂપિયા થઇ ગયો છે.


19 કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આ અગાઉ એક એપ્રિલ 91.5 રૂપિયા અને એક મેના રોજ 171.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.જો કે પહેલી માર્ચે 19 કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 350.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે 14.2 કીલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કીલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 1103 રૂપિયા પર યથાવત રહ્યો છે.


છેલ્લે એક માર્ચે ઘરેલુ એલ.પી.જી. સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) દર મહિનાની પ્રથમ તારીખે ગયા મહિનાના સરેરાશ આંતરરાષ્ટીય ભાવને આધારે રાંધણ ગેસના ભાવ નક્કી કરે છે.


ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વિક્રમજનક 14મા મહિને કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.62 રૂપિયા પર સ્થિર રહ્યો છે. વિમાનમાં વપરાતા ઇંધણ એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)માં સાત ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં એક કીલોલીટર જેટ ફ્યુઅલનો ભાવ 6632.25 રૂપિયા ઘટીને 89,303,09 રૂપિયા થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application