વરસાદની શરૂઆત સાથે જ મુંબઈમાં બિલ્ડિંગ તૂટી પડવાની ઘટના પણ શરૂ થઈ ગઈ છે. કુર્લામાં ગઈ કાલે રાતે ચાર માળની ઇમારત ધરાશાયી થતા કાટમાળ નીચે દડાઈ જતા 19 જણા મોતના મુખમાં ધકેલાય ગયા હતા. આ દુર્ઘટનામાં 13 જણ જખમી થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બિલ્ડિંગ જોખમી હોવાની મહાનગર પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી પણ રહેવાસીઓએ ઘર ખાલી કર્યા ન હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
કુર્લા (પૂર્વ) સ્થિત એસ.ટી. ડેપો પાછળ, શિવસૃષ્ટિ સોસાયટી રોડ પર નાઇક નગર સોસાયટીની 'એ' વિંગ ચાર માળની બિલ્ડિંગ ગઈ કાલે રાતે 11.52 વાગ્યે પતાના મહેલની માફક તૂટી પડી હતી. જયારે બિલ્ડિંગમાં રહેતા અંદાજે 32 જણ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ, પાલિકા, પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકો પણ મદદ માટે આવ્યા હતા.
ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે 'કાટમાળમાંથી 32 જણને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,પણ ગંભીર ઈજા થતા 19 જણ મૃત્યુ પામ્યા હતા. બિલ્ડિંગના કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે. એના અંદર કોઈ વ્યક્તિ છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે.
રાજાવાડી હોસ્પિટલમાં ડોક્ટરે કિશોર પ્રજાપતિ (ઉ.વ.20), સિકંદર રાજભર (ઉ.વ.21), અરવિંદ ભારતી (ઉ.વ.19), અનુપ રાજભર (ઉ.વ.18), અનિલ યાદવ (ઉ.વ.21), શ્યામુ પ્રજાપતિ (ઉ.વ.18) નાને મૃત ઘોષિત કર્યા હતા. જ્યારે ચાર જણાનું હોસ્પિટલમાં દાખલ કરવા પહેલા જ મોત નિપજ્યું હતું. આ બનાવમાં અન્ય નવ જણે પણ જીવ ગુમાવ્યો હતો જયારે આ સોસાયટીની અન્ય બિલ્ડિંગ પણ અતિ જોખમી અને જર્જરિત હાલતમાં છે. આથી ખાલી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના પર્યાવણ અને પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે, પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ મામલે સંબંધિત સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલમાં પ્રાથમિક બચાવ કામગીરીની છે. જો જર્જરિત ઇમારતને નોટિસ આપવામાં આવે તો તરત જ ખાલી કરવામાં આવે એમ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.
નાઇક નગર સોસાયટીથી થોડી દૂર રહેતી સુર્વણાએ કહ્યું કે 'શરૂઆતમાં જોરદાર અવાજ આવ્યો અને અમે ઘરની બહાર દોડી આવ્યા હતા. ચારે તરફ ધૂળ ઉડતી જોઈ હતી. અમને લાગ્યું કે ધરતીકંપ આવ્યો છે, બાદમાં ગેસ સિલિન્ડરનાં સ્ફોટ થયો હોવાની શંકા હતી. થોડીવાર પછી બિલ્ડિંગ તૂટી પડી હોવાની જાણ થઈ હતી. આ મહિલાની નજર સામે જ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવતા તે આઘાતમાં હતી.
જોકે આ મહિનામાં મુંબઈમાં અગાઉ આ પ્રકારની બે ઘટના બની હતી. બાંદરામાં 9 જૂનનાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા એક જણનું મૃત્યુ થયું હતું અને 18ને ઇજા થઈ હતી. ત્યારબાદ ચેમ્બુરમાં 23 જૂનના સ્લેબ પડતા એક કામગારનું મોત થયું અને અન્ય 10 જણ ઘાયલ થયા હતા. મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ પણ મૃતકના કુટુંબીજનને પાંચ લાખ રૂપિયાની મદદ અને ઈજાગ્રસ્તોની ખર્ચની જાહેરાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500