Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

7 દિવસમાં 18 હજાર વ્યાજ ચૂકવ્યું છતાં વધુ રકમ ચૂકવવા દબાણ : સાયબર પોલીસને જાણ કરી

  • December 27, 2022 

સાવરકુંડલા પંથકના એક યુવાને ઓનલાઈન પ્લેટફોર્મ પર એક વેબસાઈટ દ્વારા સરળતાથી અપાતી લોનની માયાજાળમાં ફસાઈ રૂપિયા 25,000ની લોન પત્નીના નામે લીધી. પરંતુ હવે લોન આપનાર પેઢી તેની પત્નીના બીભત્સ ફોટા આ યુવકને મોકલી વધુને વધુ નાણાં પડાવવા પ્રયાસ કરી રહી છે. યુવાને સાત જ દિવસમાં લોન પેટે 43 હજાર રૂપિયા ચૂકવ્યા હોવા છતાં વધુ રકમ માટે દબાણ થતા સાયબર પોલીસની મદદ મંગાઈ છે. અહીંના એક યુવાને ઇન્ટરનેટ પર એક વેબસાઈટ પર સરળતાથી લોન મળતી હોવાની જાણકારી મળતા તેમાં લોન માટે એપ્લાય કર્યું હતું.




આ યુવાને પોતાની પત્નીના નામે ગત તારીખ 25/ 11ના રોજ રૂપિયા 25,000ની લોન માંગી હતી. પત્નીના આઈડી પ્રુફ વેબસાઈટને આપતા જ તેના ખાતામાં રૂપિયા 25,000ની રકમ જમા થઈ ગઈ હતી. આ રકમ તેણે સાત દિવસમાં ચૂકવી આપવાની હતી. લોન લેતી વખતે ₹25,000ની રકમ સામે સાત દિવસનું વ્યાજ મામૂલી દર્શાવાયું હતું. પરંતુ લોન મળી ગયા બાદ વેબસાઈટમાં ચૂકવવાની રકમના ફિગર ફરી ગયા હતા. અને તેને સાત દિવસમાં જ તગડું વ્યાજ ચૂકવવાનું કહી દેવાયું હતું. આ યુવાને એક અઠવાડિયામાં 25,000ની લોનના ચુકવણા પેટે ₹43,000 ચૂકવી દીધા હતા.




આમ છતાં વેબસાઈટ દ્વારા વધુ રકમની રિકવરી કાઢવામાં આવી હતી. અને જો આ રકમ નહીં ભરે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. જોકે આ યુવાને વધુ નાણાં ન ભરતા આખરે વેબસાઈટ તરફથી તેની પત્નીના મોર્ફ કરેલા બીભત્સ ફોટા તેને મોકલવામાં આવ્યા હતા. અને વધુ રકમ નહીં ભરે તો તેની પત્નીના આ ગંદા ફોટા વાયરલ કરવાની ચીમકી આપવામાં આવી હતી. જેના કારણે આ યુવાન ગભરાઈ ગયો હતો. આ યુવાન પર વેબસાઈટ તરફથી નાણા વસૂલવા સતત ફોન આવી રહ્યા હોય તે નિરાતની નીંદર પણ લઈ શકતો ન હતો.



માત્ર સાત દિવસમાં 25,000ની લોન સામે 18000 રૂપિયાનું તગડું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં સામાજિક બદનામીનો ભય જળુંબતો હોય અને આ વેબસાઈટ આ રીતે સતત તેની પાસેથી રકમ રોકાવે રાખશે તેવું લાગતા એક વકીલની મદદથી આ યુવાને આ બારામાં અમરેલીમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરતા જ વેબસાઈટ તરફથી નાણાંની ઉઘરાણી બંધ કરી દેવામાં આવી હતી. હજુ સુધી આ બારામાં કોઈ ધરપકડ થઈ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application