મુંબઈ શહેરમાં 1600 પોલીસ અધિકારીઓ તથા 12 હજાર જવાનોની જગ્યા ખાલી છે. વર્ષ 2019 પછી કો ભરતી જ નથી થઈ. આ સંજોગોમાં દેશની આર્થિક રાજધાની ભગવાન ભરોસે હોય તેવી હાલત સર્જાઈ છે. મુંબઇ શહેરમાં કુલ 99 પોલીસ સ્ટેશનો આવેલાં છે. જેમાં મંજૂર થયેલી જગ્યાઓની સંખ્યા 51,309 છે પણ તેમાંથી માત્ર 37,648 જગ્યાઓ ભરવામાં આવેલી છે. તેમાં 4,299 જગ્યાઓ પોલીસ અધિકારીઓની છે, જ્યારે 33,349 જગ્યાઓ કોન્સ્ટેબલ્સની છે. આમ, હાલ શહેરમાં 1600 પોલીસ અધિકારીઓ અને 12,030 કોન્સ્ટેબલ્સની જગ્યાઓ ખાલી પડેલી છે.
જોઇન્ટ પોલીસ કમિશનર વહીવટ એસ.જયકુમારે જણાવ્યું હતું કે, પોલીસ દળમાં છેલ્લી ભરતી વર્ષ-2019માં થઇ હતી. શહેરમાંથી દર વર્ષે 1500 પોલીસ કર્મચારીઓ નિવૃત્ત થાય છે. 2019માં છેલ્લી ભરતી થઇ હોય તો એ પછી ચાર વર્ષમાં અંદાજે 6 હજાર પોલીસ કર્મચારીઓ પોલીસદળમાંથી નિવૃત્ત થયા છે અને તેની સામે કોઇ નવા કર્મચારીઓ નીમાયા નથી. આમ, છેલ્લા ચાર વર્ષમાં જ 6 હજાર પોલીસ કર્મચારીઓની અછત ઉભી થઇ છે. પોલીસ ભરતીની પ્રક્રિયા પણ લાંબો સમય ચાલે છે. કોન્સ્ટેબલ બનવા માંગતા ઉમેદવારોની લેખિત પરીક્ષા મે મહિનામાં લેવામાં આવી હતી.
કોનસ્ટેબલ્સની એક બેચના ઉમેદવારોની સમગ્ર ભરતી પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગે છે. શારિરીક પરીક્ષા કરવામાં તથા શૈક્ષણિક તાલીમ આપવામાં પણ સારો એવો સમય લાગે છે. જે પોલીસ અધિકારીઓ પોલીસદળની કરોડરજ્જુ મનાય છે તેમાં સબ ઇન્સ્પેક્ટર્સ, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર્સ, ઇન્સ્પેકટર્સ અને સિનિય 2 ઇન્સ્પેક્ટર્સનો સમાવેશ થાય છે. સબ ઇન્સ્પેકટર્સની મંજૂર થયેલી જગ્યાઓ 3,262 છે પણ હાલ 2042 સબ ઇન્સ્પેકટર્સ જ ફરજ પર છે.
આમ ત્રીજા ભાગની જગ્યાઓ આ એક હોદ્દા પર જ ખાલી જણાય છે. પોલીસ કર્મચારીઓની તંગીને કારણે ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓને રોજ સરેરાશ બાર કલાક ડયુટિ કરવાનો વારો આવે છે. તહેવારોમાં બંદોબસ્ત હોય ત્યારે ઘણાં પોલીસ કર્મચારીઓ દિવસો સુધી ઘરે જઇ શકતાં નથી. સરકારે મહિલા પોલીસ કર્મચારીઓ તથા મોટી ઉંમરના પોલીસ કોન્સ્ટેબલ્સ માટે આઠ કલાકની ડયુટિની જાહેરાત કરી છે. આને કારણે પણ પોલીસની કામગીરી પણ અસર થઇ છે. ઇન્સ્પેકટર કેડરના પોલીસ અધિકારીઓ હવે મુંબઇની બહાર પોસ્ટિંગ લેવા માંડયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500