Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરાયા

  • February 22, 2024 

રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલાં ગામો છે. આ સ્માર્ટ વિલેજમાં રાજકોટ જિલ્લાના ૬ ગામ; રાયડી, થાણાગાલોળ, વીરનગર, આણંદપરા(નવા), સતાપરા, લોધીકા, જૂનાગઢ જિલ્લાના પાંચ ગામ; ચોરવાડી, સમઢીયાળા, ધંધુસર, મટીયાણા, બાલાગામ, જામનગરના ત્રણ ગામ; પીપર, વાકીયા, સીદસર ઉપરાંત બોટાદ જિલ્લાના એક ગામ અડતાળા અને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના એક ગામ મહુવર, એમ કુલ 16 ગામોનો સમાવેશ થાય છે. સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહિ, આ પુરસ્કાર રાશિ ગામોના વિકાસ કામો માટેના સ્વભંડોળનો ભાગ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે ‘રૂર્બન-આત્મા ગામનો સુવિધા શહેરની’નો વિચાર આપેલો છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની આ વિચારધારાને આગળ ધપાવતાં સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી છે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલી સ્માર્ટ વિલેજ યોજનામાં આવા સ્માર્ટ વિલેજની પસંદગી માટેના જે ધોરણો નિર્ધારીત કરાયાં છે તેમાં ગામમાં અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીને જાળવી રાખીને ગ્રામજનોના ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવો તેમજ ગામના આર્થિક, સામાજીક અને પર્યાવરણીય મૂલ્યના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય રાખેલો છે.  આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામો માટે ‘‘ગુડ ગવર્નન્સ’’ના મોડેલ ગામ તરીકે વિકસે તથા એક્શન લેબોરેટરી તરીકે કાર્ય કરે તેવો હેતુ પણ રાખવામાં આવ્યો છે. આવા સ્માર્ટ વિલેજ પસંદગી માટેના ધોરણોમાં ગામ રોડથી જોડાયેલું હોય, રોડથી તદ્દન નજીકમાં હોય, ગામ શક્ય હોય ત્યાં સુધી સ્ટેટ હાઇવે પર હોય, પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્તા અને ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઇ થતી હોય અને ગામની વસ્તી 2000 થી 6000 સુધીની હોય તે માપદંડો ધ્યાને લેવામાં આવેલા છે.


આ 11 મા૫દંડો પરિપુર્ણ કરતી ગ્રામ પંચાયતો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત કરાયેલ ફોર્મ ભરવામાં આવેલા તેમાં બેઝ યર તરીકે વર્ષ 2022-23 લેવામાં આવ્યું હતું.  આવા ગામો પસંદ કરતાં પૂર્વે ગ્રામ પંચાયત ઘ્વારા ભરેલ ફોર્મ અન્વયે તાલુકા કક્ષાની સમિતિએ રૂબરૂ મુલાકાત લઇ પ્રાથમિક ચકાસણી કરી હતી અને એ પ્રમાણે ગુણ આપી પોતાના અભિપ્રાય સાથેની યાદી રાખી જીલ્લા કક્ષાની સમિતિમાં દરખાસ્ત મોકલી આપી હતી. આ ફોર્મના આધારે મેરીટના બેઝ ૫ર સ્માર્ટ વિલેજની ૫સંદગી જીલ્લા કક્ષાની સમિતિ ઘ્વારા કરવામાં આવી છે. ૯૦% ગુણ મેળવેલ ગ્રામ પંચાયતોને થર્ડ પાર્ટી વેરીફીકેશન કરાવ્યા ૫છી જ પુરસ્કાર/પ્રોત્સાહક રકમ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર અમલીકરણ પ્રક્રિયા પુર્ણ થયા બાદ, લઘુત્તમ ૯૦ માર્કસ મેળવેલ હોય તેવી ગ્રામ પંચાયતો પૈકી મહત્તમ મળેલ માર્કસના આધારે તાલુકા દીઠ એક ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application