ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને દિવાળી નજીક આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 16 હજાર કરોડ જમા કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ પ્રત્યેક ખેડૂતના બેંક ખાતામાં દર વર્ષે રૂપિયા 6 હજાર રૂપિયા જમા કરવામાં આવે છે જેમાં દરેક ચાર મહિને રૂપિયા 2 હજાર જમા કરાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પીએમ-કિસાન યોજનાને ધ્યાનમાં રાખીને પીએમ કિસાન સમ્માન સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોઇ પણ વચેટિયાઓ વગર ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા છે. હાલ પીએમ કિસાન યોજનાનો આ 12મો ઇન્સ્ટોલમેન્ટ છે. જેની કુલ રકમ આશરે રૂપિયા 16 હજાર કરોડ છે. આ 12માં ઇન્સ્ટોલમેન્ટનો લાભ 11 કરોડ ખેડૂતોને મળવાની શક્યતાઓ છે. જ્યારે અત્યાર સુધી ખેડૂતોને આપેલી કુલ સહાયની રકમનો આંકડો 2.16 લાખ કરોડને પાર પહોંચી શકે છે.
જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે, જ્યારથી આ પીએમ કિસાન યોજના લોન્ચ કરવામાં આવી છે ત્યારથી અત્યાર સુધી કુલ 2 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં દેશભરમાંથી 13,500 ખેડૂતોને પણ આમંત્રીત કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500