કેરળના મલપ્પુરમમાં રવિવારે રાત્રે બોટ પલટી જતાં 15 પ્રવાસીઓના મોત થયા છે. સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં બાળકોની સંખ્યા વધુ છે. બોટમાં 40 જેટલા પ્રવાસીઓ હતા. આ અકસ્માત તનુર પાસે થયો હતો. દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. રાજ્ય મંત્રી વી અબ્દુરહમાને માહિતી આપી કે કેરળના મલપ્પુરમ જિલ્લામાં મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે.
મરનારાઓમાં 6 બાળકો
મૃતકોમાં 6 બાળકો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. લગભગ 10 લોકોને બચાવી લેવાયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ ટુકડી દ્વારા અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે બોટ પલટી ગઈ હોવાથી બોટની નીચેના ભાગમાં પણ લોકો ફસાયા હોવાની આશંકા છે.બોટમાં સવાર થયેલા એક યુવાન શફીકે બચાવ કાર્યકરોને જણાવ્યું હતું કે, બોટ ખીચોખીચ ભરેલી હતી અને તેમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા. કિનારાથી લગભગ 300 મીટર દૂર પહોંચતાં જ હોડી ડગમગવા લાગી હતી. અચાનક બોટ પલટી ગઈ અને પ્રવાસીઓ નીચે દબાઈ ગયા હતા. એવું કહેવાય છે કે મુસાફરો માટે પૂરતા લાઇફ જેકેટ્સ નહોતા. કિનારા પરના લોકોને સ્થળ પર દોડી જવામાં સમય લાગ્યો હોવાથી બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો.
વડાપ્રધાને દુખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં બનેલી આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. વડાપ્રધાને ટ્વિટ કરી આ જાહેરાત કરી હતી.કેરળના સ્પોર્ટ્સ મંત્રી વી અબ્દુરહીમાને જણાવ્યું હતું કે, અકસ્માતમાં 15થી વધુ લોકોના મોત થયા હતા અને તેમાંથી મોટાભાગના બાળકો હતા જેઓ વેકેશન હોવાથી બોટની સવારી માટે આવ્યા હતા. પર્યટન મંત્રી પી એ મોહમ્મદ રિયાસ પણ બચાવ કામગીરીનું સંકલન કરી રહ્યા છે.
બોટ સર્વિસ સાંજે 5 વાગ્યા સુધી જ ચલાવવાની છૂટ હતી
બોટમાં સવાર પ્રવાસીઓ મલપ્પુરમ જિલ્લાના પરપ્પનંગડી અને તનુર વિસ્તારના હતા. અહીં હાઉસ બોટ સર્વિસ સાંજે 5 વાગ્યા સુધી જ ચલાવવાની છૂટ છે. પોલીસ તંત્ર હાલ આ બનાવ કેમ બન્યો અને પરમીશન ન હોવા છતાં મોડે સુધી બોટ કેમ ચાલુ રાખવામાં આવી હતી તે અંગે પણ તપાસ કરી રહી છે.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા
ફાયર અને પોલીસ યુનિટ્સ, મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને જિલ્લાના તનુર અને તિરુર વિસ્તારના સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં સામેલ હતા. પાણીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500