તાપીમિત્ર ન્યુઝ,સૂરતઃગુજરાત હાઈકોર્ટના એકટીંગ ચીફ જસ્ટીસ અનંદ દવેના હસ્તે અઠવાલાઈન્સ સ્થિત મુખ્ય કોર્ટ બિલ્ડિંગમાં VWDC (વર્નરેબલ વિટેનસ ડિપોઝીશન સેન્ટર) ચિલ્ડ્રન કોર્ટ રૂમનું ઉદ્દધાટન કરવામાં આવ્યું હતું.જાતીય શોષણનો ભોગ બનેલી માસૂમ વયની કે નાની ઉમરની બાળકીઓ કોર્ટ સમક્ષ ભય કે સંકોચ વિના પોતાની સાથે બનેલી અત્યાચારની આપવીતી જણાવી શકે તેમજ વિકૃત મનોવૃત્તિવાળા વ્યકિતઓની સતામણીનો ભોગ બનેલા બાળકો નિર્ભયપણે કોર્ટમાં પોતાની જુબાની આપી શકે તે માટે સુરત મુખ્ય ન્યાયાલય ખાતે ૧૦માં માળે ચિલ્ડ્રન કોર્ટ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે ચીફ જસ્ટીસે જણાવ્યું હતું કે,બાળકોની જાતીય સતામણી જેવા સંવેદનશીલ કેસોમાં નાના અને કુમળીવયના બાળકો કેસની ટ્રાયલ વખતે આરોપીની હાજરીમાં મોટાભાગે જુબાની આપતા ડર અને સંકોચનો અનુભવ કરતા હોય છે.આવી પરિસ્થિતિના નિવારણ માટે રાજ્યનું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર’નું સુરત કોર્ટમાં નિર્માણ કરાયું છે.પોક્સો એક્ટ અન્વયે ભોગ બનનારા બાળકો માટે આ ચિલ્ડ્રન રૂમ સામાન્ય કોર્ટ રૂમથી અલગ અને બાળમાનસને ગમે એવું છે.શ્રી અનંદ દવેએ ચિલ્ડ્રન રૂમની વિશેષતા અંગે કહ્યું કે, ખાસ કરીને પોકસો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સિસ એકટ)ના કેસોમાં ભોગ બનનાર બાળકી કે બાળક તેના પર જાતીય અત્યાચાર ગુજારનાર આરોપી તેને જોઇ ન શકે તે રીતે નિર્ભય વાતાવરણમાં મુક્તપણે આ કોર્ટરૂમમાં જુબાની આપશે,જે જુબાની બીજા રૂમમાં હાજર આરોપી અને ન્યાયાધીશ હેડફોનથી પણ સાંભળી શકશે.અહી અલગ અલગ એર કન્ડિશન્ડ રૂમો બનાવવામાં આવ્યા છે.જુબાની કેન્દ્રમાં બાળ સાક્ષીની એન્ટ્રી અને એકઝીટ પણ ગુપ્ત રાખવામાં આવી છે.આ કેન્દ્રના લીધે બાળકોને ન્યાય મળે ઉપરાંત આરોપીના હક્કને પણ અડચણ ના થાય તેની તકેદારી રાખવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.નોંધનીય છે કે,સમગ્ર બાળ કોર્ટરૂમને રંગબેરંગી ફુગ્ગાઓથી સુશોભિત કરવામાં આવ્યો છે.આ કેન્દ્રમાં ઇનકલ્પ્રિટ રૂમ,ડિપોઝીશન રૂમ, અને પેન્ટ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત બાળ સાક્ષીઓ માટે ખાસ વેઈટીંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.આ રૂમમાં ટેડીબેર ઉપરાંત અન્ય ઈલેકટ્રોનિક રમકડા,નાની લસરપટ્ટી અને ટેલિવિઝનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.આ પ્રસંગે ન્યાયમૂર્તિશ્રી આર.એમ.છાયા, ન્યાયમૂર્તિ કુ.સોનિયા ગોકાણી,જિલ્લા કલેકટરશ્રી ધવલ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લા બાર એસોસિએશનના હોદ્દેદારો,વકીલ મંડળના સભ્યો,ન્યાયખાતાના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ, જજશ્રીઓ અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
high light-સુરત કોર્ટ ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રમાં બાળકો માટેરમકડા, ટીવી અને પુસ્તકોની પણ વ્યવસ્થા કરાઇ
high light-બાળકો નિર્ભય વાતાવરણમાં મુક્તપણે ચિલ્ડ્રન કોર્ટરૂમમાં જુબાની આપશે: ચીફ જસ્ટીસ અનંદ દવે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500