Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લાના માંડવી ખાતે ૭૩મા સ્‍વાતંત્ર્યપર્વની દબદબાભેર ઉજવણી

  • August 15, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત-માંડવી:૭૩માં સ્‍વાતંત્ર્યપર્વની ઉજવણીના અવસરે રાજ્યના શહેરી ગૃહ નિર્માણ,નર્મદા વિભાગના રાજયમંત્રી યોગેશ પટેલે સૂરત જિલ્લાના માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરીને રાષ્ટ્રની અસ્મિતાના પ્રતિક સમા ત્રિરંગાને સલામી આપી હતી એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાત અગ્રેસર બન્યુ હોવાનું જણાવ્યું હતું.આ વેળાએ મંત્રીશ્રીએ પોલીસ પરેડનું નિરક્ષણ કરી સલામી આપી હતી. તેમની સાથે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ તથા જિલ્લા પોલીસ વડાશ્રી એ.એમ.મુનિયા જોડાયા હતા.સૂરત જિલ્લાકક્ષાની ૧૫મી ઓગષ્‍ટના સ્વાતંત્ર્યદિનની ઉજવણી માંડવી નગરપાલિકાના પટાંગણમાં દેશભક્તિસભર માહોલમાં ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.મંત્રીશ્રીના હસ્તે તાલુકાના વિકાસના કાર્યો માટેનો રૂા.૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલને અર્પણ કરાયો હતો. કાર્યક્રમ બાદ મંત્રીશ્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.મંત્રીશ્રી પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી અનામી સૌ વીર શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી જયારે સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું. આજે ગુજરાતના બીજા બે સપૂત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સાત-સાત દાયકાથી સળગતા કાશ્મીર પ્રશ્નને કલમ ૩૭૦ રદ કરીને એક ઝાટકે હલ કર્યો છે.આ ઐતિહાસિક નિર્ણયના પરિણામે પ્રત્યેક હિન્દુસ્તાની ગર્વથી છાતી ફૂલાવીને કહેતો થયો છે કે,કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત છે’ હવે કોઈની પણ ભારતના મુગટ સમાન કાશ્મીર સામે આંખ ઉઠાવીને જોવાની ક્યારેય હિંમત નહીં થાય.એ સંદર્ભમાં આજનું ૭૩મું સ્વાતંત્ર્ય પર્વ વધુ એક ઐતિહાસિક ઘટના સાથે ગૌરવપૂર્ણ બન્યું હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.મંત્રીશ્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વ હેઠળની ‘ટીમ ગુજરાતે’ સંવેદનશીલતા, પારદર્શકતા,નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસનો નવતર પથ પાથર્યો છે.છ – છ ટર્મ અને ૨૪-૨૪ વર્ષથી ગુજરાતમાં એક જ પક્ષના સુશાસનને ગુજરાતની જનતાએ સ્વીકાર્યું છે. નિર્ણાયકતા વ્યક્તિની સૌથી મોટી મૂડી છે જેને છેલ્લા ત્રણ વર્ષમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે ૬૦૦ જેટલાં જનહિતલક્ષી નિર્ણયો કર્યા હોવાનું તેમણે કહ્યું હતું. રાજય સરકાર ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપતી સરકાર છે. પીએમકેવાય અન્વયે ૨૯ લાખ જેટલા ખેડૂતોને બે હપ્તામાં રૂ.૧૧૩૫ કરોડ આપવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવાનો આ સરકારે ક્રાંતિકારી નિર્ણય કર્યો છે.જેના માટે રૂ.૫૦૦ કરોડનું રિવોલ્વિંગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે તેમજ ૪૦ લાખ એકરથી વધુ વિસ્તારને ટપક સિંચાઈની સુવિધાનો લાભ આપવામાં આવ્યો છે. ખેડૂતોના ઊભા પાકને રક્ષણ આપવા ૧૦૫ લાખ રનીંગ મીટર કાંટાળી વાડ બનાવવામાં આવી હોવાનું શ્રી પટેલે કહ્યું હતું.સમગ્ર દેશમાં ઉર્જાવાન તરીકે ઓળખાતા ગુજરાતમાં ૯૦૦૦ મેગાવોટ રીન્યુએબલ એનર્જીના ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે ત્યારે આગામી ત્રણ વર્ષમાં છ લાખ ઘરોમાં રૂફટોપ સોલર પેનલ લગાવીને ૧૫૦૦ મેગાવોટ જેટલી વિજળી ઉત્પન્ન કરવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલાં લીધા છે.ગુજરાત ઈઝ એ ગ્રોથ એન્જીન ઓફ ઈન્ડિયા એ વાસ્તવિકતા હવે દેશ અને દુનિયા સ્વીકારવા લાગી છે. ૧૩ લાખ કરોડના ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ સાથે એવરેજ ગ્રોથરેટમાં નંબર વનનું સ્થાન ધરાવતું ગુજરાત રાજય કપાસ, મરી મસાલા, જીરુ, મગફળીના ઉત્પાદનમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે.વનબંધુઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક કલ્યાણ માટે આ સરકાર કટીબદ્ધ હોવાનું જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, ‘પેસા’ એક્ટનો નક્કર અમલ કરીને વનબંધુઓને વધુ સ્વાવલંબી બનાવ્યા છે. વન અધિકારપત્રો દ્વારા જંગલ જમીનના હક્કો આદિવાસીઓને આપવામાં આવતા આદિવાસી પરિવારોમાં ખુશીની લહેર પ્રસરી છે.આદિવાસી બાંધવોના બાળકોને બેસ્ટ ઓફ ધ બેસ્ટ શિક્ષણ આપવા માટે આપવા માટે ૪૩ એકલવ્ય સ્કૂલ રાજ્યમાં કાર્યરત છે. આદિવાસી વિસ્તારોમાં લીફ્ટ ઇરીગેશનના માધ્યમથી ત્રીજી હરિયાળી ક્રાંતિની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે.પ્રત્યેક ઘરમાં નળથી પાણી આપવા માટે આ સરકાર સંકલ્પબધ્ધ છે.ગરીબ પરિવારોને તેમના શુભ પ્રસંગે લગ્નમાં જાન લઈ જવા માટે રાહત દરે એસટીની સુવિધા આપણે પૂરી પાડી છે.દીકરીઓના જન્મદરમાં વધારો કરવાના લક્ષ્ય સાથે આ બજેટમાં ‘વહાલી દીકરી’યોજનાનો આપણે આરંભ કર્યો હોવાનું જણાવીને દિકરી પહેલા ધોરણમાં આવે ત્યારે રૂ. ૪૦૦૦,નવમા ધોરણમાં આવે ત્યારે રૂ.૬૦૦૦ અને ૧૮ વર્ષની થાય ત્યારે એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનું આપણે સુનિશ્ચિત કર્યું હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.મહિલા સશક્તિકરણ માટે આ સરકાર કટિબધ્ધ છે. વિધવા પેન્શનની રકમ વધારીને આ સરકારે રૂ. ૧૨૫૦ કરી છે.સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષીત કરવામાં આવી છે.સુરત જિલ્લાના વિકાસકીય કામોની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,૨૦૧૮-૧૯માં માંડવી તાલુકાની ઈસર અને કેવડી એમ બે નાની સિંચાઈ યોજનામાં જાળવણી અને સુધારણા માટે રૂ.૩૮ લાખ, સિંચાઈ હેતુ માટે ૬૫૯ બોરની કામગીરી માટે જીલ્લામાં રૂ. ૨ કરોડ ઉપરાંત ૨૮ પ્રાથમિક શાળામાં રિચાર્જિંગની કામગીરી માટે રૂ.૨૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.સૌને પાણી સુવિધા મળી રહે તે માટે વર્તમાન વર્ષે રૂા.૧૦૦ લાખના ખર્ચે ત્રણ જેટલી જુથ યોજનાની સુધારણાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે.તેમજ બે નવી સુચીત જુથ યોજના હેઠળ માંગરોળ તાલુકાના ૧૧ અને મહુવા તાલુકાના ૧૧ ગામો મળી કુલ ૨૨ ગામોને પાણી પુરવઠો પુરો પાડવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું. સુરત જિલ્લામાં માંડવી તાલુકામાં માંડવી-શેરૂલા રોડને મજબુતીકરણ માટે રાજય સરકાર દ્વારા ૧૪ કરોડ મંજુર કરવામાં આવ્યા હોવાની વિગતો તેમણે આપી હતી.આ તકે મંત્રીશ્રી દ્વારા માંડવી નગરપાલિકાની એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મંત્રીશ્રી અને મહાનુભાવોએ આરોગ્ય અને ઈમરજન્સી સેવાઓ,સ્વચ્છતા અભિયાન,કાયાકલ્પ પ્રોગ્રામ, પોલિસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓ તેમજ રમતગમતમાં સિદ્ધીઓ મેળવનાર ખેલાડીઓને સન્માનિત કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application