વનરાજ પવાર દ્વાર તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગ જિલ્લાના સુબીર તાલુકા મથકે નવજ્યોત હાઈસ્કુલના પટાંગણમાં ૭૩માં રાષ્ટ્રિય પર્વ ૧૫મી ઓગષ્ટ ૨૦૧૯ સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી જિલ્લા કલેકટરશ્રી એન.કે.ડામોરના વરદ્ હસ્તે ઘ્વજ વંદન કર્યા બાદ પરેડ નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ વીર શહિદોને નમન કરી સૌ પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતા કલેકટરશ્રી એન.કે.ડામોરે જણાવ્યું હતું કે આપણાં ભારત દેશને આઝાદી અપાવનાર આઝાદીના લડવૈયાઓને આપણે યાદ કરીએ છીએ.આપણને મળેલી મહામૂલી આઝાદીને સૌના સહિયારા સાથથી વિકાસના નવા સીમાચિホ ઉપર પહોંચાડવા માટે સંકલ્પબધ્ધ બનીએ.ગુજરાતના પનોતા પૂત્ર અને લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાચે જ કહયું છે કે આઝાદી માટે જાન ન્યોચ્છાવર કરવાનો આપણને અવસર નથી મળ્યો પરંતુ મળેલી આઝાદીમાં જીવીને વિકાસના કાર્યોને વધુ તેજ રફતારથી આગળ વધારવાનો અવસર મળ્યો છે.આપણે સહુ દેશ માટે જીવવાનો આ અવસર ચરિતાર્થ કરવા માટે આઝાદીના પાવન પર્વ નિમિત્તે સંકલ્પબધ્ધ બનીએ.ગુજરાતના વિકાસ મોડેલની ચર્ચા ભારતવર્ષમાં જ નહીં પરંતુ,વિશ્વ સ્તરે થઇ રહી છે.ગુજરાતમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લો પછાત ગણાય પણ અનુસૂચિત જન જાતિની વસ્તીની દ્રષ્ટિએ ડાંગ જિલ્લો વિકાસમાં આગળ છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદ છતા છેલ્લા એકવર્ષમાં વન વિભાગ, પંચાયત,આરોગ્ય,મહેસુલ,માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરી છે.જેના કારણે જિલ્લા વહીવટી તંત્રની ઉત્કૃષ્ઠ કામગીરી રહી છે.આ પ્રસંગે સુબીર તાલુકાના વિકાસ માટે કલેકટરશ્રી એન.કે.ડામોરે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. તેમજ આહવા તાલુકાના ડોન ગામના વિકાસના કામો માટે કલેકટરશ્રી ડામોર તેમજ મહાનુભાવો દ્વારા પ્રાંત અધિકારીશ્રી કાજલ ગામીતને રૂા.૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.વધઈ તાલુકાના સાકરપાતળ ગામના વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી રણજીતકુમાર ઝા ને રૂા.૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો.આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૦૦ લોકોના જીવ બચાવવાની પ્રશંસનીય કામગીરી બદલ ૧૦૮ ના મેડીકલ ટેકનીશીયન એવોર્ડ તેમજ એમ્બ્યુલન્સ પાઈલોટને મહાનુભાવો દ્વારા સન્માનપત્ર અપાયા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં ૪૦૦૦ સગર્ભા બહેનો તથા બાળકોને હોસ્પિટલથી ધર સુધી મુકવાની પ્રશંસનીય કામગીરી બદલ એમ્બ્યુલન્સ કેપ્ટન એવોર્ડ,સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
વન વિભાગ દ્વારા જંગલ સંરક્ષણની સારી કામગીરી બદલ વનકર્મીઓનું પ્રશસ્તિ પત્ર મહાનુભાવો દ્વારા અર્પણ કરાયા હતા.ગ્રામરક્ષક દળોને જાનમાલને નુકશાન થતા બચાવવાની સારી કામગીરી બદલ જી.આર.ડી.ઓને મેડલ તથા સન્માનપત્ર અર્પણ કરાયા હતા.નવજ્યોત હાઈસ્કુલ,સુબીર,એકલવ્ય મો.રેસી.સ્કુલ,આહવા તેમજ સ.મા.શાળા સુબીર,કસ્તુરબા વિઘાલય,ટીમ્બરથવાની બાલિકાઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા બદલ કલાકારોને કલેકટરશ્રી તેમજ મહાનુભાવો દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમને અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપાણ કરવામાં આવ્યું હતું.સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ધારાસભ્યશ્રી મંગળભાઈ ગાવિત,તાલુકા પંચાયત પ્રમુખ જશોદાબહેન,વાસુર્ણાના રાજવી ધનરાજસિંહ, દહેરના રાજા તપતરાવ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.ડી.પટેલ,પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાળી,નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર,નાયબ વન સંરક્ષકશ્રી દિનેશ રબારી,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારા, માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેરશ્રી જે.કે.પટેલ,સહિત નગરજનો,શાળાના બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500