ચીનનાં દક્ષિણ પશ્ચિમમાં આવેલ સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલનની મોટી ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે અને 5 લોકો લાપતા હોવાનું કહેવાય છે. ઘટના અંગે ત્યાંની સ્થાનિક સરકારે કહ્યું કે, લેશાન શહેરની નજીક જિન્કૌહેમાં ફોરેસ્ટ્રી સ્ટેશન પર શનિવારે સવારે 6 વાગ્યે પર્વતનો એક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. નિવેદન અનુસાર શનિવારે બપોરે 3 વાગ્યા સુધી 14 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે.
જ્યારે 5 લોકો ગુમ છે દુર્ઘટનાનાં સમાચાર મળતાની સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે 180 લોકોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક ડઝનથી વધુ બચાવ ઉપકરણો પણ ઘટના સ્થળે મોકલાયા છે. જે વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની છે, તે વિસ્તાર પહેલેથી જ ખૂબ અસુરક્ષિત માનવામાં આવે છે. જ્યાં અકસ્માત થયો તે સ્થળ પ્રાંતીય રાજધાની ચેંગડુથી લગભગ 240 કિલોમીટર દક્ષિણમાં પર્વતીય વિસ્તાર આવેલો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે.
ખાસ કરીને વરસાદના મહિનામાં ઘટનાઓ વધી જાય છે. 2019માં મુશળધાર વરસાદ બાદ પણ આ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ બનતી રહી છે. ચેંગડુ ભૂકંપ ઝોનમાં આવે છે તેમજ અહીં અનેક જીવલેણ ભૂકંપ આવી ચૂક્યા છે. 2008માં અહીં 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 87 હજારથી વધુ લોકો કાં તો માર્યા ગયા હતા અથવા ગુમ થયા હતા. આ ઘટનામાં 5,335 શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જોકે, આ વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા માટે ચીન દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે, પરંતુ ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500