Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મસૂરી તાલીમ સેન્ટરના ૧૪ આઈ.એ.એસ. ટ્રેઈની ઓફિસર્સ નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ગામોમાં જઈને આદિજાતિ સમાજની જીવનશૈલી અને આજીવિકા વિષય પર કરી રહ્યા છે અભ્યાસ

  • August 29, 2023 

નર્મદા જિલ્લાની મુલાકાતે પધારેલા લબાસના, મસૂરી ખાતેના તાલીમ સેન્ટરના ૧૪ આઈ.એ.એસ. ટ્રેઈની ઓફિસર્સ તા.૨૭ ઓગસ્ટ, ૨૦૨૩ને રવિવારના રોજ નર્મદા જિલ્લામાં આવી પહોંચ્યા હતા. આ ટીમમાં ૧૦ પુરૂષ અને ૦૪ મહિલા ઓફિસર્સ સામેલ છે. બાહુલ આદિજાતિ વિસ્તાર-વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે રાજપીપલાના જીતનગર ખાતે નિર્માણાધિન દેશની એકમાત્ર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની આ તાલીમી અધિકારીશ્રીઓએ મુલાકાત લીધી હતી. જ્યાં આર્કિટેક હનુમંતસિંહે નિર્માણાધિન યુનિવર્સિટી પરિસરની ઝીણવટપૂર્ણ માહિતીથી તમામ અધિકારીશ્રીઓને વાકેફ કર્યા હતા. સર્વ સમાજને વિકાસની મુખ્યધારા સાથે જોડવા માટે શૈક્ષણિક ઉત્કર્ષનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરતી આ આદિજાતિ યુનિવર્સિટીની મુલાકાત બાદ તમામ ઓફિસર્સે દેડિયાપાડા તાલુકાના સગાઈ રેન્જ ઓફિસ ખાતે પહોંચી વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા વાઈલ્ડ લાઈફ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.



શૂલપાણેશ્વર વન્ય જીવ અભ્યારણ્યમાં વસવાટ કરતા પશુ-પક્ષીઓ અને વન્ય જીવો અંગે પણ માહિતગાર થયા હતા. આર.એફ.ઓ. ઉન્નતિબેન પંચાલે સૂલપાણેશ્નર વન્ય જીવ અભ્યારણ્ય વિશેની સંપૂર્ણ માહિતીથી અધિકારીશ્રીઓેને વાકેફ કર્યા હતા. ભારત સરકારની સિવિલ સર્વિસ માટેની UPSC ક્લિયર કરીને ઓફિસર્સને તાલીમ આપતી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (લબાસના), મસૂરી ખાતે તાલીમ લઈ રહેલા ૧૪ ટ્રેઈની ઓફિસર્સ ૭-૭ના બે જૂથમાં વહેંચાઈને પ્રથમ દિવસે એટલે કે સોમવારના રોજ સામોટ અને ડુમખલ ગામે પહોંચી ગ્રામ પંચાયતના સભ્યો, યુવાનો અને અધિકારીશ્રીઓ સાથે શિક્ષણ, આરોગ્ય, પંચાયતી રાજ સંસ્થાઓ, ગરીબી નિર્મુલન, ખેતી અને જમીન સુધારણા, સ્વચ્છ ભારત અભિયાન સહિત સરકારશ્રીની વિવિધ ઉત્કર્ષ યોજનાઓ અંગે સંવાદ કર્યો હતો. અને અહીંના ગ્રામીણ વિસ્તારના લોકોની રહેણીકરણી, ભાષા, બોલી, પહેરવેશ, ખાન-પાનનું નિરિક્ષણ કરી જાત માહિતી મેળવીને નજરે નિહાળ્યું હતું.



અત્રે ઉલ્લેખનીય છે કે, એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં ગ્રામીણ ક્ષેત્રના અભ્યાસ અર્થે આવેલા આ તમામ તાલીમી અધિકારીશ્રીઓની તંત્ર દ્વારા રોકાણની સુચારુ વ્યવસ્થા માલસામોટ ખાતે કરવામાં આવી છે, જ્યાંથી આ તમામ ઓફિસર્સ સામોટ અને ડુમખલ ગ્રામ પંચાયતની તથા આસપાસના ગ્રામીણક્ષેત્રની મુલાકાતે જશે અને ગ્રામીણ લોકજીવનને સમજવાની કોશિષકરશે સાથે સાથે જિલ્લાના અન્ય પ્રકલ્પો અને વિવિધ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની કામગીરીનો પણ અભ્યાસ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News