રાજ્યમાં નવરાત્રિ પહેલાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 4.40 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વડોદરામાં 3.77 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢમાં 3.58 ઇંચ, બોટાદના ગઢડામાં 3.26 ઇંચ, તાલાલામાં 3 ઇંચ અને ગીર ગઢડા 2.9 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વીજળી અને મેઘગર્જના સાથે સપાટી પરના પવન 30-40 કિમી પ્રતિ કલાકના પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરેરાશ 47.44 ઇંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો. જોકે કચ્છમાં 35.29 ઇંચ સાથે સિઝનનો 184.86 ટકા, ઉત્તર ગુજરાતમાં 32.75 ઇંચ સાથે 113.95 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.02 ઇંચ સાથે સિઝનનો 131.63 ટકા, સૌરાષ્ટ્રમાં 42.15 ઇંચ સાથે સિઝનનો 145.21 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.58 ઇંચ સાથે સિઝનનો 140.60 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હવે 100 ટકાથી ઓછો વરસાદ પડ્યો હોય તેવો એકપણ જિલ્લો નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500