માછીમારીની નવી સિઝન શરૂ થયા બાદ આ વર્ષે ભારતની એક પણ બોટ પાકિસ્તાનની દરિયાઈ જળસીમામાં ગઈ નથી, પરંતુ પાકિસ્તાનની એક ફિશિંગ બોટ ભારતીય જળસીમામાં ૧૫ કિલોમીટર સુધી ઘુસી આવી હતી અને ભારતીય કોસ્ટગાર્ડની શીપે પીછો કરીને આ બોટને પકડી પાડી છે. તેમાંથી 13 ખલાસીઓ ઝડપાયા છ, જેને પૂછપરછ માટે ઓખા બંદર પર લાવવામાં આવી રહ્યા છે અને પોરબંદરના નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં તે અંગેનો ગુનો દાખલ થશે. કોસ્ટગાર્ડ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે, ભારતીય કોસ્ટ ગાર્ડની શીપ-અરીંજય જ્યારે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પાકિસ્તાની હોય તેવી જણાતી શંકાસ્પદ પ્રકારની એક ફિશિંગ બોટ ભારતીય દરિયાઈ જળસીમાની અંદર 15 કિલોમીટર સુધી ઘુસીને માછીમારી કરી રહી હતી.
તારીખ 21 નવેમ્બરના આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા આઈ. એમ.બી.એલ. નજીક આ બોટને પડકારવામાં આવી હતી. આથી એ ફિશિંગ બોટ પાકિસ્તાન તરફ ભાગવા લાગી હતી. આથી ભારતીય કોસ્ટગાર્ડના જહાજ આરિંજયની ટીમે તાત્કાલિક પીછો કરીને એ બોટને અટકાવીને ભારતીય જળ સીમામાં જ રોકી લીધી હતી અને બોટમાં તપાસ કરતા તે પાકિસ્તાનની ફિશિંગ બોટ નાઝ-એ-કરમ હોવાનું બહાર આવ્યું હતું. અંદર તપાસ કરતાં તેર જેટલા ખલાસીઓ મળી આવ્યા હતા. તેઓની પૂછપરછ કરવામાં આવતા તારીખ 19 નવેમ્બરના રોજ આ ફિશિંગ બોટ કરાચીથી માછીમારી કરવા માટે રવાના થઈ હતી તેવું જણાવ્યું હતું.
આથી તેઓ હકીકતે માછીમારી કરવા માટે જ ભારતીય દરિયાઈ જળસીમાંમાં ઘૂસી ગયા હતા? કે પછી અન્ય કોઈ પ્રવૃત્તિને અંજામ આપવા માટે પહોંચ્યા હતા? તેની માહિતી મેળવવા તેઓની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. કારણ કે ભારતીય દરિયાઈ જળસીમામા પાકિસ્તાનની બોટ માછીમારી કરી શકતી નથી. તે અંગે તેને સમજ આપવામાં આવી હતી અને ત્યારબાદ સંપૂર્ણ તપાસ માટે આ ફિશિંગ બોટને ઓખાબંદર ઉપર લાવવામાં આવી રહી છે તથા તમામ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના નવી બંદર પોલીસ મથકમાં આ અંગેનો ગુન્હો દાખલ થશે.
નવી બંદર મરીન પોલીસ મથકના પી.એસ.આઇ. પી.પી. ચાવડાને પૂછતા તેમણે એવું જણાવ્યું હતું કે હાલમાં સંયુક્ત રીતે પૂછપરછ એજન્સીઓ કરી રહી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. મોડી રાત્રી સુધીમાં આ બનાવમાં પાકિસ્તાનના ખલાસીઓ સામે નવી બંદર મરીન પોલીસ મથકમાં ગુન્હો નોંધાશે તેમ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કોસ્ટલ સિક્યુરિટીને વધુ મજબૂત બનાવવામાં આવી છે ત્યારે અહીંથી ઝડપાયેલી પાકિસ્તાની બોટ તથા તેમાં રહેલા ખલાસીઓ ભારતીય જળસીમામાં કેવી રીતે ઘૂસી આવ્યા તે અંગે જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ દિશામાં સધન પૂછતાછ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500