Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઇલ ફોનથી મોટર ચાલુ/બંધ કરીને ગામને પાણી પુરૂ પાડતો ડાંગી યુવક:સાકરપાતળ ગામના ૧૫૫ જેટલા ઘરોના અંદાજીત ૭૦૦ લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર

  • May 17, 2019 

ડાંગ માહિતી બ્યૂરો,આહવાઃચારેકોર પાણીની બૂમરાણ મચી છે,ત્યારે ડાંગ જિલ્લાના વધઇ તાલુકાના સાકરપાતળ ગામે પાણી સમિતિની નિષ્ઠા અને કાર્યદક્ષતાને સથવારે,અહીં અવિરત પાણી પહોંચાડીને આ પાણી સમિતિ, અન્યો માટે પ્રેરણારૂપ બની રહી છે.ડાંગના દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં મોબાઇલ નેટવર્કની પણ અનેક મર્યાદાઓ છે,ત્યારે સાકરપાતળની પાણી સમિતિ મોબાઇલ ફોનના સ્માર્ટ ઉપયોગ થકી,પાણી વિતરણની આધુનિક વ્યવસ્થા ગોઠવી,અપૂરતા પાણી અને સીમિત નેટવર્કના રોદણાં રડતા લોકોને જડબાતોડ જવાબ આપી રહી છે.વાત વહેલી ગળે ઉતરે તેવી નથી,પરંતુ આ વાત સો ટકા સાચી છે.વધઇ-સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા સાકરપાતળ મૂળ ગામના ૧૫૫ જેટલા ઘરોના અંદાજીત ૭૦૦ લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થયેલી,અને સને ર૦૧૧થી સફળ રીતે ચાલી રહેલી પાણી સમિતિના સંચાલકો એવા પ્રમુખ/મંત્રી શ્રી મંગલેશભાઇ ભોયે અને કિશોરભાઇ ગાવિત જેવા તરવરીયા યુવાનો દ્વારા પૂર્ણ નિષ્ઠા તથા સેવાભાવના સાથે પાણી સમિતિનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.પાણી સમિતિના સફળ વહિવટને કારણે અનેક ઇનામ અને અકરામ પોતાને નામે કરવા સાથે સાકરપાતળની આ પાણી સમિતિએ રૂા.૭પ હજાર જેટલુ રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યું છે.પાણી સમિતિની કાર્યદક્ષતા અને સરળ વહિવટને જોવા અને જાણવા,તથા તેમના માંથી પ્રેરણા મેળવવા માટે,રાજ્યભરના અન્ય જિલ્લાઓ માંથી પણ લોકો સાકરપાતળની મુલાકાતે આવી રહ્યાં છે,તેમ જણાવતા પાણી સમિતિના સંચાલકોએ,માસિક રૂા.૪૦/-ના લોકફાળા સાથે સૂપેરે ચાલી રહેલી આ સમિતિ પાસે હાલમાં પોણા ત્રણેક લાખ રૂપિયાનું ભંડોળ પણ એકત્ર થવા સાથે એફ.ડી.માં પણ માતબર રોકાણ કરાયુ હોવાનું જણાવ્યું હતું. સમિતિનો બધો જ નાણાંકિય વ્યવહાર ચેક મારફતે જ કરીને,પારદર્શક વહિવટનો પણ ઉત્તમ નમૂનો આ પાણી સમિતિ પુરો પાડી રહી છે,તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.ડાંગની લોકમાતા અંબિકા નદીના પટમાં ૬ મીટર વ્યાસ અને ૧પ મીટર ઊંડાઇ ધરાવતા કૂવામાંથી એકાદ કિલોમીટર લાંબી પાઇપ લાઇન નાંખી,ડુંગર ઉપર તૈયાર કરાયેલી જુદી જુદી ૩ ટાંકીઓ,કે જેમની કુલ ક્ષમતા પપ હજાર લીટરની છે,તેમાં પાણી નાંખી ત્યાંથી ઘરેઘર સુધી અવિરત પાણી પુરવઠો પહોંચાડતી આ યોજનાના સંચાલનને વધુ સરળ બનાવતા,કૂવા સાથે જોડેલી મોટરને ચાલુ/બંધ કરવા માટે અવારનવાર કોતરો ન ખૂંદવા પડે તે માટે અહીં અઘતન મોબાઇલ ટેકનોલોજીના ઉપયોગ થકી,દૂર બેઠા બેઠા કે ગામ/પરગામથી પણ,પાણી સમિતિના ઓપરેટર દ્વારા મોટર ચાલુ/બંધ કરીને પપ હજાર લીટર પાણીનું સ્ટોરેજ કરી દેવામાં આવે છે,તેમ જણાવતા વાસ્મોના મદદનીશ ઇજનેર શ્રી પ્રકાશ સોલંકીએ,અઘતન ટેકનોલોજીના સુભગ સમન્વ સાથે,અહીં ગ્રામજનોને અવિરત પાણી પુરૂ પાડવામાં સ્થાનિક પાણી સમિતિ સફળ રહી છે તેમ જણાવ્યું હતું.સોશ્યલ મોબીલાઇઝર શ્રી રાકેશ ગાવિતે વાતનો તંતૂ સાધતા જણાવ્યું હતું કે,જો સંજોગોવસાત અંબિકાના કોતરમાં તૈયાર કરાયેલા કૂવામાં પાણીનો આવરો ઓછો થાય,તો એકાદ કિલોમીટર દૂર નજીકના જંગલમાં જ,વાધમાળ ગામની સીમમાં નવા બનાવાયેલા કૂવામાંથી પાઇપ લાઇન દ્વારા,સાકરપાતળના કૂવામાં પાણી નાંખી,તેનો સદ્‍ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ સાકરપાતળની આ પાણી સમિતિ ગ્રામજનોને કોઇપણ હાલે પાણી પહોંચાડીને,તેની સેવાભાવના દાખવી રહી છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.પાણી સમિતિના ઓપરેટર શ્રી ગુલાબભાઇ દીવા,સ્માર્ટ ફોનનો બખૂબી ઉપયોગ કરીને,મોટર સાથે મોબાઇલ ટેકનોલોજીને જોડીને,દૂર બેઠા બેઠા પણ મોટર ચાલુ/બંધ કરવાની તકનિક અજમાવી,અંબિકાના કોતરોમાં ઉતર્યા વિના જ પપ હજાર લીટર પાણીની ટાંકી ભરીને,ગ્રામજનોને પાણીની મુશ્કેલી ન વેઠવી પડે તેની કાળજી રાખી રહ્યાં છે.એક મુલાકાતમાં જણાવ્યા મુજબ પાણીની મોટર સાથે જોડાયેલા સીમકાર્ડના નંબર ઉપર માત્ર મીસકોલ મારવાથી, મોટર ચાલુ અને બંધ કરી શકાય છે.જેથી તેઓ ગામમાં હોય,કે બહારગામ પણ પાણીની મોટર ચાલુ કરવા રૂબરૂ જવાની ઝંઝટમાંથી તેઓ મુક્ત રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું.ઉલ્લેખનિય છે કે,સાકરપાતળની આ પાણી પુરવઠા યોજનાનો કૂવો અંબિકાના કોતરમાં,તથા પાણી સ્ટોરેજ માટેની ટાંકી ડુંગર ઉપર આવેલી છે.આ બંન્ને વચ્ચે તાદાત્મ્ય સાધતા અનેક ઓપરેટરો કંટાળો અનુભવતા હતા.ત્યારે વાસ્મોના ઇજેનેરોએ મોબાઇલ ટેકનોલોજીના માધ્યમથી આ સમસ્યાનો હલ શોધી,પાણી સમિતિના સંચાલકોને ગળે વાત ઉતારતા,આજે એક સમયે ખૂબ જ કપરૂ લાગતુ કામ,આંગળીના ટેરવે/મીસકોલ મારવા જેટલુ સહેલુ થઇ ગયું છે,તેમ ગુલાબભાઇએ વધુમાં જણાવ્યું હતું.ગામના સુરેખાબેન ચૌહાણ,તથા મેરીબેન દેશમુખે સાકરપાતળમાં પાણીની નિયમિતતાને કારણે તેઓ તેમના અન્ય કામો જેવા કે પશુપાલન,નાગલી પાપડ સહિતની વિવિધ બનાવટો,અને નાહરી રેસ્ટોરન્ટ જેવા અન્ય વ્યવસાયો માટે પણ સમય કાઢી શકે છે તેમ જણાવી, ભલે ચારેકોર પાણીની સમસ્યા હોય,પરંતુ સાકરપાતળમાં પાણીની કોઇ મુશ્કેલી નથી તેમ એક સૂરે જણાવ્યું હતું.આમ,સાંપ્રત સમયમાં અને તેમાંયે ડાંગ જેવા વિશિષ્ટ ભૌગોલિક ભૃષ્ઠભૂમિ ધરાવતા જિલ્લામાં પાણી અને સંદેશા વ્યવહારની સીમિત તકો વચ્ચે, આ વિપદાઓને જ અવસરમાં પલટીને સાકરપાતળની પાણી સમિતિ અન્યો માટે પ્રેરણારૂપ કામગીરી કરી રહી છે.  

high light-ચારેકોર પાણીની બૂમરાણ વચ્ચે પપ હજાર લીટર પાણીની ક્ષમતા સાથે સાકરપાતળના ૧૫૫ ધરોના ૭૦૦ લોકોને મળી રહ્યું છે અવિરત પાણી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application