ભુવનેશ્વર:પ્રચંડ અને શક્તિશાળી વાવાઝોડું ફાની આખરે ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયું છે.ગંભીરતાને ધ્યાનમાં લેતા સરકારે લાખો લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે.લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. એક 10,000 ગામડાઓ અને 52 જેટલા શહેરો આ ચક્રવાતની ચપેટમાં આવી જાય તેવી આશંકા છે.આ દરમિયાન તોફાનની ઝડપ 245 કિમી પ્રતિ કલાકની હાલ છે.તોફાન અગાઉ જ ઓડિશાના અનેક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાયો અને વરસાદ પણ પડી રહ્યો હતો.IMDના અધિકારીએ જણાવ્યું કે,1999ના સુપર સાઈક્લોન બાદ પહેલીવાર એવું બનશે કે જ્યારે રાજ્ય આટલા ભીષણ તોફાનનો સામનો કરશે.1999માં આવેલા સુપર સાઈક્લોનમાં 10,000 લોકોના જીવ ગયા હતાં.લોકોને હાલ ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.ઓડિશાના 17 જિલ્લામાં ફાની તોફાનને લઈને અલર્ટ જાહેર કરાઈ છે.આ સાથે જ તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે.હૈદરાબાદ સ્થિત હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પુરીમાં હાલ વધુમાં વધુ 240 કિમી પ્રતિ કલાકથી 245 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.આ સાથે જ સમગ્ર ઓડિશાના દરિયાકાંઠે ભારે વરસાદ પડે છે.ફાની સંપૂર્ણ રીતે ટકરાશે ત્યારબાદ તેની અસર ઓછી થઈ જશે અને તે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો તરફ ફંટાઈ જશે.ફાની પસાર થઈ ગયા બાદ રાહત અને બચાવ કાર્ય માટે વિશાખાપટ્ટનમમાં નેવીના 13 વિમાનો અલર્ટ મોડ પર છે.ઓડિશામાં ફાની ચક્રવાત પહોંચ્યાની અસર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે.વિશાખાપટ્ટનમમાં સમુદ્ર કાંઠે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.આ સાથે જ દરિયાની ઊંચી લહેરો ઊઠી રહી છે.ફાની તોફાન પસાર થયા બાદ હાલાતને પહોંચી વળવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડે રાહત અને બચાવની 34 ટીમો તહેનાત કરી છે.આ ટીમો વિઝાગ,ચેન્નાઈ,પારાડિપ, ગોપાલપુર,હલ્દિયા,ફ્રેઝરગંજ અને કોલકાતામાં તહેનાત છે.જ્યારે વિઝાગ અને ચેન્નાઈમાં કોસ્ટ ગાર્ડની ચાર બોટ પણ તહેનાત કરાઈ છે.ખુબ જ ખતરનાક એવા ફાની તોફાને પુરીના ગોપાલપુર અને ચાંદબલી પાસે પહેલી દસ્તક આપી.આ દરમિયાન 170-180 કિમીથી લઈને 225 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.તોફાન પહોંચ્યા બાદના 4-6 કલાક ખુબ વિનાશકારી ગણાઈ રહ્યાં છે.ત્યારબાદ તેની અસર ઓછી થઈ જશે.પીએમ મોદીએ ગુરુવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરીને તોફાનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ફાનીને પહોંચી વળવા માટે એનડીઆરએફની 81 ટીમો તહેનાત કરાઈ છે.આ ટીમોમાં ચાર હજારથી વધુ વિશિષ્ટ કર્મીઓ સામેલ છે.ચક્રવાત ઓડિશા,આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને પ્રભાવિત કરે તેવી આશંકા છે.એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાને જણાવ્યું કે ઓડિશા,આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 50 ટીમ પહેલેથી તહેનાત છે.જ્યારે 31 ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે.ઓડિશામાં પુરીની આસપાસ અત્યાધુનિક સાધનસામગ્રીથી લેસ 28 ટીમો તહેનાત છે.આ જ રીતે આંધ્ર પ્રદેશમાં 12 ટીમો અને પ.બંગાળમાં છ ટીમો તહેનાત છે. બાકીની ટીમો કે જેમા પ્રત્યેક ટીમમાં લગભગ 50 કર્મીઓ સામેલ છે તેમને આ રાજ્યોમાં તહેનાત કરાયા છે.ટીમો વધારાની બોટ,સેટેલાઈટ ફોન,ચિકિત્સક સાધનો,દવાઓ,પિકઅપ વાહનો,અન્ય ગેઝેટ્સથી લેસ છે.ઓડિશાના ભુવનેશ્વર, ગજપતિ,કેન્દ્રપારા, અને જગતપુર સિંહ વિસ્તારોમાં પવનની સાથે વરસાદ પડી રહ્યો છે.સમુ્દ્રમાં ઊંચી લહેરો ઉઠી રહી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ સવારે 5.30 કલાકે ફાની પુરીથી 80 કિમી અને ગોપાલપુરથી 65 કિમી દૂર હતું. હવે કહેવાય છે કે તે પુરીથી માત્ર 40 કિમી દૂર છે.સરેરાશ 40 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ફાની કર્વ લેતા કોસ્ટર એરિયા તરફ ઘૂમી રહ્યું છે.જે હિસાબથી 8થી 10 વાગ્યાની વચ્ચે તે ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે.જ્યારે તે તટ પર ટકરાશે તો આ તોફાનની ઝડપ 180થી 195 કિમી પ્રતિ કલાકની હશે અને 205 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500