સુરત શહેરમાં અલગ અલગ ચાર લોકોએ જુદા જુદા કારણોસર જીવન ટુંકાવી લીધું હતું. જેમાં લોનનાં હપ્તાના ટેન્શનમાં પુણાના યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું જયારે અન્ય બનાવોમાં આર્થિક સંકડામણના કારણે અડાજણના યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તેમજ લિંબાયત અને ગોડાદરાના યુવકે પણ ફાંસો ખાઈ આપઘાતનું પગલું ભરી લીધું હતું.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુણા કુંભારીયા સારોલી નેચરવેલી હોમ્સ ખાતે રહેતા કિશનભાઈ બકુલભાઈ ભાયાણી (ઉ.વ.28) સારોલી પાસે પાનનો ગલ્લો ચલાવતા હતા. જોકે મંગળવારે બપોરે તેમણે તેમના પાનના ગલ્લા પર અનાજમાં નાંખવાનો પાવડર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જેની જાણ તેમના પિતાને થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયારે બુધવારે સાંજે કિશનનું મોત નીપજ્યું હતું અને પોલીસની પ્રાથમીક તપાસમાં લોનના હપ્તાના ટેન્શનમાં પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
જયારે અન્ય બનાવમાં અડાજણ રંગીલા પાર્ક સોસાયટી પાછળ એસએમસી આવાસ ખાતે રહેતા સાગર દેવરાવ ખડશે (ઉ.વ.24) અગાઉ ચાની લારી પર કામ કરતો હતો હાલ બેકાર હતો જેથી સાગરે અગાઉ લોન પર બાઈક ખરીદી હતી. જેના હપ્તા ચાલી રહ્યા હતા અને બાઈક ગીરવે મુકી દીધી હતી. દરમિયાન મંગળવારે બપોરે સાગરે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આર્થીક સંકડામણના કારણે તેણે પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.
તેમજ લિંબાયત આસ્તીક નગર ખાતે રહેતા ભીમસીંગ ઉર્ફે સમાધાન કોમલસિંગ ગીરાસે (ઉ.વ.24) હીરાના કારખાનામાં કામ કરતો હતો અને મંગળવારે બપોરે તેણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે, આપઘાતનું પગલું પોલીસ જાણી શકી ન હતી.
વધુમાં કડોદરા સુપર સિનેમાની બાજુમાં શિવનગર સોસાયટી ખાતે રહેતા પ્રકાશભાઈ ભેંસલાલ ચૌધરી (ઉ.વ.40) જેઓ 15 દિવસ પહેલા વતન બિહારથી આવ્યા હતા અને છુટક મજુરી કરતા હતા. મંગળવારે મોડી સાંજે પ્રકાશભાઈએ પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સુરતમાં કામ ફાવ્યું ન હોવાથી તેમણે આપઘાતનું પગલું ભર્યુ હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500