એજન્સી,વારાણસી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે.શુક્રવારે વિજય મુહૂર્તમાં મોદીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.અગાઉ સવારે તેમણે વારાણસીના દ્વારપાળ એવા કાલ ભૈરવના મંદિરમાં જઈ પૂજા કરી હતી.વડાપ્રધાને ઉમેદવારી પત્ર ભરતા અગાઉ એનડીએનું શક્તિપ્રદર્શન કર્યું હતું.તેમની ઉમેદવારીના સમર્થન માટે સિરોમણી અકાલી દળના અધ્યક્ષ પ્રકાશ સિંઘ બાદલ હાજર રહ્યા હતા.વડાપ્રધાન મોદી ઉમેદવારી નોંધાવતા અગાઉ બાદલને પગે લાગ્યા હતા.આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,ગૃહ પ્રધાન રાજનાથ સિંહ,વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર,શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિત એનડીએના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.મોદીએ વારાણસીમાં જાહેર સંબોધન પણ કર્યું હતું જેમાં આ વખતે વારાણસીમાં પુરૂષો કરતા પાંચ ટકા મહિલાઓએ વધુ મતદાન કરવા આહ્વાન કર્યું હતું.મોદીએ જણાવ્યું કે,હું ચૂંટણી તો ગઈકાલે જ જીતી ગયો હતો.ઉલ્લેખનીય છે કે બુધવારે વડાપ્રધાન મોદીએ ચાર કલાક સુધી સાત કિમી લાંબો રોડ-શો યોજ્યો હતો તેમજ સાંજે ગંગા આરતી પણ કરી હતી.વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, ‘હું પણ બૂથનો કાર્યકર હતો.મને પણ દિવાલો પર પોસ્ટરો ચોંટાડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.’તેમણે જણાવ્યું કે જે રીતે ભગવાન શ્રીકૃષ્ણએ સંગઠનમાં શક્તિ દર્શાવીને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો તે જ રીતે હું ઈચ્છું છે કે તમે મતદારો મળીને પોલિંગ બૂથ જીતો.તેમણે જણાવ્યું કે,વારાણસીની ચૂંટણી એવી હોવી જોઈએ કે રાજકીય વિશ્લેષકોને તેના પર પુસ્તક લખવું પડે.મોદીએ પોતાના મંત્ર જણાવતા કહ્યું કે,‘ચૂંટણી દિલ જીતવા માટે લડો,પક્ષ આપોઆપ જીતી જશે.’કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવતા મોદીએ જણાવ્યું કે,‘ગઈકાલે જે દ્રશ્ય મે જોયું તેનાથી મને તમારા પરિશ્રમની,તમારા પરસેવાની મહેક આવી રહી હતી.ચૂંટણી તો હું ગઈકાલે જ જીતી ગયો હવે આપણે પોલિંગ બૂથ જીતવાનું છે.’
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500