ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લામાં ગઇકાલે યોજાયેલી લોકસભા સામાન્ય ચૂંટણીઓમાં સરેરાશ મતદાનમાં ૮૦.૨૮ ની ટકાવારી સાથે રાજયભરમાં નર્મદા જિલ્લો મતદાનમાં અગ્રેસર રહયો છે.તેની સાથોસાથ રાજયનાં તમામ વિધાનસભા ક્ષેત્રોમાં થયેલાં મતદાનની ટકાવારી જોઇએ તો નર્મદા જિલ્લાની ૧૪૯- દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં ૮૫.૦૧ ટકાના અભૂતપૂર્વ-ઐતિહાસિક અને વિક્રમી મતદાન સાથે સમગ્ર રાજયમાં દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર પ્રથમ સ્થાને રહીને ટકાવારીની ટોચ પર નર્મદા જિલ્લાએ હિમાલયસે ઉંચી મતદાનની ટકાવારીમાં શ્રેષ્ઠ સિધ્ધી હાંસલ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,નર્મદા જિલ્લામાં ગત ૨૦૧૪ માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં પણ ભરૂચ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં ૮૫.૮૮ ટકાના વિક્રમી મતદાન સાથે આ વિસ્તાર સમગ્ર રાજયમાં ટકાવારીની ટોચ પર રહયો હતો.જયારે ગત ૨૦૦૯ માં યોજાયેલી લોકસભા સામાન્ય ચૂંટણીઓમાં દેડીયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં ૭૩.૬૩ ની મતદાનની ટકાવારી નોંધાઇ હતી.અત્રે નોંધનીય છે કે,ગત ડિસેમ્બર-૨૦૧૭ માં યોજાયેલી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓમાં જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા મત વિસ્તારની બંને બેઠકોમાં સરેરાશ ૭૯.૧૫ ટકા જેટલું ઐતિહાસિક મતદાન નોંધાતા ગત ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ નર્મદા જિલ્લો રાજયભરમાં ટકાવારીની ટોચના સ્થાને રહયો હતો.તેવી જ રીતે ગત ૨૦૧૨ માં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચુંટણીઓમાં ઉકત બંને બેઠકો માટે ૮૨.૨૧ ટકાની સરેરાશ ટકાવારી સાથે નર્મદા જિલ્લો રાજયભરમાં મોખરે રહયો હતો. ૨૦૧૭ ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં ૮૪.૬૩ ટકા મતદાન સાથે દેડીયાપાડા સમગ્ર રાજયમાં મતદાનની ટકાવારી સાથે મોખરે રહયો હતો.ડિસેમ્બર-૨૦૧૨ માં યોજાયેલી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓમાં નર્મદા જિલ્લો ૮૨.૨૧ ની સરેરાશ ટકાવારી સાથે રાજયભરમાં મોખરે રહેવા ઉપરાંત દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની બેઠક પણ ૮૮.૮૧ ટકાના મતદાન સાથે મોખરે રહેવા પામી હતી.આમ,લોકસભા અને વિધાનસભાની પાછલા વર્ષોની સામાન્ય ચૂંટણીઓનાં મતદાનની ટકાવારીમાં ક્રમશઃ થઇ રહેલી વૃધ્ધિ અંગે વિશ્લેષણ કરીએ તો, ચૂંટણીપંચે અમલમાં મૂકેલ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જે તે જિલ્લામાં મહત્તમ મતદાનની ટકાવારી વધારવાની દિશામાં નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર ધ્વારા થયેલા સતત પ્રયાસો,જિલ્લાના જાગૃત મતદારો અને જિલ્લા ચૂંટણીતંત્રના મતદાર જાગૃત્તિ માટેનાં પ્રયાસોની ફલશ્રુતિરૂપે નર્મદા જિલ્લાએ મતદાનની ઉંચી ટકાવારીમાં તેનું સ્થાન જાળવી રાખીને રાજયમાં સતત મોખરે રહેવાનો યશ મેળવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application