સોનગઢનાં પ્રતિમા નગરમાં રહેતાં એક યુવકે અગમ્ય કારણોસર રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુંકાવી દીધું હોવાનો બનાવ નોંધાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોનગઢનાં પ્રતિમા નગરમાં પોતાના બનેવી સાથે રહેતાં મૂળ બુરહાનપુર એમપીના સંતોષ ભાલેરાવ (ઉ.વ.28)નાઓ નવાગામ ખાતે ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક સેવા કેન્દ્રનું સંચાલન કરતા હતાં. જોકે રવિવારે સવારે તેઓ ઘરેથી કોઈ ને કશું કહ્યા વિના નીકળી ગયા હતા અને ઘરના સભ્યો એ તેમની શોધખોળ શરૂ કરતા તેઓ મળી આવ્યા ન હતા.
ત્યારબાદ સોનગઢ રેલવે સ્ટેશન નજીક એક યુવકે ધસમસતી ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાના સમાચાર આવતાં જ પરિવારજનો ત્યાં દોડી ગયા હતા. આ યુવકનો મૃતદેહ ટ્રેન સાથે અથડાયા બાદ ક્ષત વિક્ષત થઈ ગયો હતો. પરંતુ તેના હાથના ભાગે છત્રપતિ શિવાજી મહારાજના ટેટુના કારણે ઓળખ થતાં એ સવારે ગુમ થનાર સંતોષ ભાલેરાવ જ હોવાની ઓળખ થઈ હતી. બનાવ અંગે રેલવે પોલીસે કાર્યવાહી કરી યુવકનો મૃતદેહ પરિવારના લોકોને સોપવામાં આવ્યો હતો.
જયારે સંતોષભાઈની આત્મહત્યાના કારણો બાબતે ગામમાં થતી ચર્ચા પ્રમાણે તેણે પોતાના મિત્ર વર્તુળ અને અન્ય લોકો પાસેથી મોટી રકમ ઉછીની મેળવી હતી અને હાલમાં તે આર્થિક સંકડામણ ભોગવતો હતો. તે સાથે જ તેને ગામમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને આ બનાવ બાદ યુવતી પણ ગુમ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ આર્થિક સંકડામણ અને પ્રેમ પ્રકરણને કારણે યુવકે આત્મહત્યા કરી હોવાની બાબતે લોકોમાં ચર્ચા થઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500