તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમમાં પાંચમી વખત પધારવાની મળેલી તકને તેમના માટે અહોભાગ્ય ગણાવતા રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ,ડાંગ દરબારના કાર્યક્રમમાં પધારેલા માજી રાજવીઓ, તેમના પરિવારજનો અને પ્રજાજનોને હોળી/ધૂળેટીની શુભકામના પાઠવી હતી.ડાંગ દરબારનો વિધિવત પ્રારંભ કરાવતા રાજ્યપાલશ્રીએ પૌરાણિક સંસ્કૃતિ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતા ડાંગ જિલ્લાની મહત્તા વર્ણવી, પ્રકૃતિની ગોદમાં વસેલા ડાંગ પ્રદેશની સાહસ,શૌર્ય, સંધર્ષ અને બલિદાનની શૌર્યગાથાઓ સાથે ડાંગ જિલ્લો આગળ વધી રહ્યો છે તેમ જણાવ્યું હતું.ડાંગના ગૌરવશાળી ઇતિહાસ અને આદિવાસી પ્રજાજનોની નોખી,અનોખી જીવનશૈલી, અહીંની પ્રાકૃતિક સંપદા તથા નૈસર્ગિક સ્થળોને કારણે જાણિતા બનેલા ડાંગ જિલ્લામાં દેશ વિદેશના પર્યટકો વર્ષભર આવતા રહે છે,તેમ જણાવી મહામહિમશ્રીએ ડાંગના ઇતિહાસની તારીખ અને તવારિખ વર્ણવી,પોલિટિકલ પેન્શન સાથે સંકળાયેલા ઐતિહાસિક તથ્યો,અને બિ્રટિશ રાજ સાથેના ઐતિહાસિક કરારોની જાણકારી પુરી પાડી હતી.બદલાતા વૈશ્વિક પ્રવાહો સાથે કદમતાલ મેળવીને ડાંગ અને ડાંગી સમાજ પણ તેની પૌરાણિક સંસ્કૃતિના જતન અને સંવર્ધન સાથે આગળ વધી રહ્યો છે,જે અહીં નવા સૂર્યોદયના સંકેત છે તેમ જણાવી રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ ડાગી પ્રજાજનોને ઉજ્જવળ ભવિષ્ઠની પણ શુભકામના પાઠવી હતી.ડાંગના ઐતિહાસિક પર્વની રૂપરેખા આપતા ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોરે રાજ્યપાલશ્રી સહિત ડાંગના માજી રાજવીઓ,તેમના પરિવારજનો, અને પ્રજાજનોને હોળી/ધૂળેટીની શુભકામના પાઠવી,મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ ડાંગના રાજવીઓને પાન બીડા, શાલ શાલિયાણું અને સ્મૃતિભેટ અર્પણ કરી અદકેરૂ સન્માન કર્યું હતું.આ ઉપરાંત રાજભવન તરફથી પણ વિશેષ મોમેન્ટો અર્પણ કરીને રાજ્યપાલશ્રીએ રાજવીઓ પ્રત્યેનો અહોભાવ પ્રગટ કર્યો હતો.ડાંગ દરબારના રંગમંચ ઉપરથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વધઇ દ્વારા તૈયાર કરોલી ડાંગના લોકનૃત્ય તથા લોકવાઘોની સી.ડી.નું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયુ હતું.જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીનું સ્મૃતિભેટ અર્પીને અભિવાદન કરાયુ હતું.મહાનુભાવોનું પુષ્પ અને પુસ્તકથી પણ સ્વાગત કરાયુ હતું.કાર્યક્રમના અંતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ આભારવિધી આટોપી હતી.
રાજ્યપાલશ્રી સહિત માજી રાજવીઓ અને મહાનુભાવો તથા પ્રજાજનોએ ડાંગ દરબારના ઉદ્ધાટન કાર્યક્રમ સાથે રજુ થયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી પણ નિહાળી હતી. ત્યાર બાદ રાજવીઓના માનમાં અપાયેલા ભોજન સમારોહમાં પણ રાજ્યપાલશ્રી જોડાયા હતા.સરકારી માધ્યમિક શાળાની બાળાઓની પ્રાર્થના તથા સ્વાગત ગીત સાથે શરૂ થયેલા ડાંગ દરબારના ઉદ્ધાટન કાર્યક્રમના ડાયર ઉપર રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સહિત ડાંગની પ્રજાના હૃદયમાં અદકેરૂ સ્થાન ધરાવતા પાંચ રાજવીઓ, તેમના ભાઉબંધો,ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોર,જિલ્લા વિકાસ અધિકારી શ્રીએચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી શ્વેતા શ્રીમાળી સહિતના મહાનુભાવોએ સ્થાન શોભાવ્યુ હતું.કાર્યક્રમના ઉદ્ધોષક તરીકે સરકારી માધ્યમિક શાળાના શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલ તથા તેમની ટીમે સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોર તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.ઉલ્લેખનિય છે કે, ડાંગ દરબારના પ્રારંભ સાથે ડાંગના પાંચ માજી રાજવીઓ, તેમના ભાઉબંધો તથા નાયકોને કુલ રૂા.ર૮.૩૪ લાખનું શાલિયાણુ અર્પણ કરાયુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500