વલસાડમાં મોગરાવાડી ખાતે રાજસ્થાનના પુરોહિત પરિવારના બંધ ફલેટમાં ચોર ઇસમોએ ઘૂસી જઇ રૂપિયા 1.12 લાખના સોના-ચાંદીના દાગીના કબાટ તોડીને ચોરી ગયા હતા.આ મામલે ફલેટ માલિકે સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડના મોગરાવાડી ઝોનમાં નાથુભાઇ કોમ્લેક્સ પંચવટી સોસાયટીમાં ત્રીજા માળે ફલેટ નંબર-105માં રહેતા જોગરાજ ભાવજી પુરોહિત મુંબઇ કાલબાદેવીમાં કપડાની અન્નપૂર્ણા એજન્સીમાં નોકરી કરે છે.
તેમની પત્ની કન્યાદેવી અને 3 સંતાનો ગત તા.14 એપ્રિલે રાજસ્થાન વતન સાન્થુ, તા.બાગરા, જિ.ઝાલોર ગયા હતા. તે દરમિયાન માલિક જોગરાજભાઇ ફલેટ બંધ કરી સવારે કર્ણાવતી ટ્રેનમાં નોકરીએ ગયા હતા ત્યારે પડોશી અમિત રાઠોડે ફોન કરી ફલેટના દરવાજાનો અડાગરો તુટેલો જણાતા ફોન કરીને ચોરી થઇ હોવાની શંકા સાથે ફોન કર્યો હતો. જેને લઇ જોગરાજભાઇ મુંબઇથી બપોરે નિકળી વલસાડ આવી મોગરાવાડીના ફલેટમાં જોતા દરવાજો, રૂમનો દરવાજાનો લોક અને અડાગરા તેમજ કબાટનો દરવોજા પણ તૂટેલો અને સરસામાન વેરવિખેર જણાયો હતો.
તિજોરીનો લોક પણ તુટેલો માલુમ પડતાં તપાસ કરતા અંદર મૂકેલી દોઢ તોલાની સોનાની ચેઇન, કિમત રૂપિયા 45 હજાર, પત્નીની સોનાની બુટ્ટી અડધોતોલા રૂપિયા 15 હજાર, સોનાની વિંટી 1 તોલો રૂપિયા 30 હજાર, કાનની કડી અડધો તોલો રૂપિયા 15 હજાર અને ચાંદીની પાયલ અને હાથનો કડો રૂપિયા 7 હજાર મળી કુલ રૂપિયા 1.12 લાખના દાગીનાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે જોગરાજ પુરોહિતે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500