દેશના 108 થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો જથ્થો ખૂટી પડયો છે. આ થર્મલ સ્ટેશનોમાં કોલસો તાકીદની અસરથી પહોંચાડવા માટે માલગાડીઓ દોડાવાઈ રહી છે. એ માટે 1100 ટ્રેનો તા.24મી મે સુધી બંધ રહેશે. રેલવે મંત્રાલયના કહેવા પ્રમાણે, કોલસાની અછત ધરાવતા થર્મલ પાવર સ્ટેશનોમાં તુરંત કોલસો પહોંચે તે માટે માલ ગાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેના ભાગરૂપે અસંખ્ય પેસેન્જર ટ્રેનો રદ થઈ છે. આગામી તા.24મી મે સુધી 1100 પેસેન્જર ટ્રેનો બંધ રહેશે. રેલવેએ સૌથી પહેલાં 700 જેટલી પેસેન્જર ટ્રેન રદ કરી હતી. એ પછી વધુ 240 પેસેન્જર ટ્રેનો રદ કરીને માલ ગાડીઓને પ્રાથમિકતા અપાઈ હતી.
પેસેન્જર ટ્રેન દોડતી હોય તો માલ ગાડીઓને પ્રાથમિકતા મળે નહીં. માલ ગાડીઓ સમયસર થર્મલ સ્ટેશનોમાં કોલસો ન પહોંચાડે તો વીજકાપની સ્થિતિ વધુ ગંભીર બની જાય. આ સ્થિતિ નિવારવા માટે રેલવે મંત્રાલયે કટોકટીની સ્થિતિમાં 1100 જેટલી ટ્રેનો હજુ 20 દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું એ પ્રમાણે દિલ્હી, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોલસાની અછત સર્જાઈ ગઈ છે. આ રાજ્યોમાં વીજળીના માગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો હોવાથી વીજળીનો જથ્થો ઘટી ગયો હતો. ઉત્પાદન વધારવામાં આવતા કોલસાની અછત સર્જાઈ હતી. એ અછતને પહોંચી વળવા અસંખ્ય માલ ગાડીઓ દેશભરમાં કોલસાનો જથ્થો પહોંચાડવા માટે દોડી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500