સુરતનાં કતારગામ નંદુદોશીની વાડીમાં ધર્મ ડાયમંડનો રત્નકલાકાર નાઇટ પાળીનાં 8 કારીગરને ચા માં કેફી પદાર્થ પીવડાવી બેભાન કરી અંદાજે 255 કેરેટનાં 2700 નંગ હીરા કિંમત રૂપિયા 11.47 લાખની મત્તાના ચોરીને ભાગી જતા કતારગામ પોલીસ દોડતી થઇ ગઇ હતી. મળતી માહિતી મુજબ કતારગામના નારાયણ નગર ચાર રસ્તા નજીક મણીનગર સોસાયટીમાં રહેતા મેહુલ નાગજી વાણીયા મૂળ રહે. કલ્યાણપર, તા. વલ્લભીપુર, જી. ભાવનગર) કતારગામ નંદુદોશીની વાડીના શ્રી રામ કોમ્પ્લેક્ષમાં ધર્મ ડાયમંડ નામે કારખાનું ચલાવે છે. સવારે કારખાનાની ઓફિસનો કર્મચારી કલ્પેશ બલીરામ સરફલે રાબેતા મુજબ 7 વાગ્યે કારખાને ગયો હતો.
પરંતુ ઓફિસનો દરવાજો અંદરથી બંધ હતો અને દરવાજો ખખડાવવા છતા કોઇએ ખોલ્યો ન હતો,જેથી કલ્પેશે તુરંત જ મેહુલને જાણ કરતા તેઓ કારખાને દોડી ગયા હતા. મેહુલે કારખાનાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા નાઇટ પાળીમાં કામ કરતા કારીગર નરેશ મોહન કોળી રહે. ગંગોત્રી સોસાયટી, ડભોલી ચાર રસ્તા, વેડ રોડ અને મૂળ. રાજપુરા, તા. સુઇગામ અને જી. બનાસકાંઠા) એ સવારે 4 વાગ્યાના અરસામાં ચા બનાવી તેમાં કોઇક કેફી પદાર્થ ભેળવી નાઇટ પાળીના 8 કારીગરને ચાવ પીવડાવી બેભાન કર્યા હતા.
ત્યારબાદ હીરા કટીંગના ચાર મશીન ઉપર મુકેલા ફોરપી અને સોઇંગ હીરાનો અંદાજે 255 કેરેટના 2700 નંગ હીરા કિંમત રૂ.11.47 લાખની મત્તાના ચોરી કરી આઠેય કારીગરને કારાખાનામાં ગોંધી કારખાનાને બહારથી લોક કરી ભાગી ગયો હતો. ઘટનાને પગલે કારખાનેદાર મેહુલ વાણીયાએ છ મહિનાથી કામ કરતા કારીગર નરેશ માળી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે નરેશને પગેરૂ મેળવવા તેના વતન ખાતે પોલીસ ટીમ રવાના કરી હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500