ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં રવિવારે કોરોના પોઝિટીવનાં વધુ 5 દર્દી મળી આવ્યા હતાં. તેમાં સેક્ટર-20 માંથી 3 દર્દી એને ન્યુ ગાંધીનગર વિસ્તારમાંથી 2 દર્દી મળ્યા હતાં. બીજી બાજુ સીજનલ ફ્લૂના પણ 2 કેસ નોંધવામાં આવ્યા હતાં. જ્યારે જિલ્લાનાં દહેગામ તાલુકા માંથી 2, કલોલ તાલુકામાંથી 2 અને ગાંધીનગર તાલુકામાંથી 2 મળીને ગ્રામ્ય વિસ્તારમાંથી 6 મળીને કુલ 11 દર્દીનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં.
આરોગ્ય તંત્રનાં અધિકારી સુત્રોનાં જણાવવા પ્રમાણે, તમામ દર્દીઓમાં કોવિડ-19 વાયરસનાં લક્ષણો હળવા જોવામાં આવતાં દરેકને હોમ આઇસોલેશનમાં જ રાખીને સારવાર શરૂ કરવામાં આવી છે. મહાનગર પાલિકા વિસ્તારમાં સેક્ટર-20માં રહેતા 30 વર્ષનાં યુવક, 28 વર્ષનો યુવક અને 65 વર્ષનાં વૃદ્ધા તથા કુડાસણમાં રહેતા 30 વર્ષનો યુવક અને રાયસણમાં રહેતા 28 વર્ષનાં યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સીજનલ ફ્લૂના બે કેસ મળી આવ્યા હતાં.
દરમિયાન દહેગામ શહેરનાં 65 વર્ષનાં વૃદ્ધ તથા રખિયાલના 60 વર્ષનાં વૃદ્ધ, ગાંધીનગર તાલુકાનાં ઉવારસદ ગામના 21 વર્ષનાં યુવક અને અડાલજમાં અંબા ટાઉનશીપમાં 15 વર્ષની કિશોરી, કલોલ તાલુકાનાં પલિયડ ગામના 65 વર્ષના વૃદ્ધા અને ડિંગુચા ગામના 60 વર્ષનાં વૃદ્ધનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાનાં પગલે તમામ દર્દીઓની સારવાર ઘરે જ રાખીને શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500