Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં ૧૦૪ દીપડા, પક્ષીઓની ૨૩૬ પ્રજાતિઓ અને વૃક્ષોની ૧૨૬ પ્રજાતિઓ : દીપડાઓની સંખ્યામાં ૧૪૫ ટકાનો વધારો નોંધાયો

  • October 10, 2023 

પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો, વનોની સાથોસાથ વન્ય જીવોનું રક્ષણ પણ ખુબ જરૂરી છે. એટલે જ ભારતમાં વર્ષ ૧૯૫૫થી દર વર્ષે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી દર વર્ષે તા.૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન 'વન્ય પ્રાણી સપ્તાહ' ઉજવવામાં આવે છે. જેમાં વન વિભાગ સહિત વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત NGO અને શૈક્ષણિક સંસ્થાઓ ઉત્સાહભેર જોડાય છે. વનવિભાગ દ્વારા વનકર્મીઓ, પ્રકૃત્તિ સંરક્ષકો અને જાગૃત્ત નાગરિકોને તાલીમ આપવાની સાથોસાથ તેમની સારી કામગીરી માટે સન્માનિત પણ કરવામાં આવે છે. ગુજરાતમાં તા.૨ થી ૮ ઓકટોબર દરમિયાન તમામ ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે.



સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે ગુજરાતના તમામ અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને ૧૦૦ ટકા પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારતમાં વનસંપદા અને વન્યજીવ સંરક્ષણ માટે ભારતના કુલ જમીની ક્ષેત્રફળનો ૪.૭ ટકા વિસ્તાર વન્યજીવો માટે સુરક્ષિત વિસ્તાર જાહેર કરાયો છે. વિશ્વમાં એકમાત્ર ગુજરાતના જંગલોમાં એશિયાઈ સિંહ અને ભારતીય ઘુડખર વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળે છે. મુખ્ય વન સંરક્ષકએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ૫૦,૦૦૦ હેકટર વન વિસ્તાર આવેલો છે. જેમાં ડુમસ, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા વિસ્તારના જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે. આ વન વિસ્તારમાં દીપડા, શિયાળ, હરણ, જંગલી બિલાડી, ઝરખ, વણીયર, વરૂ, રોઝ, ચોશિંગા, ભેંકર જેવા જુદી-જુદી પ્રજાતિઓના પ્રાણીઓ વસે છે.



વરૂ, જંગલી બિલાડી, ઝરખ, વણીયર એમ આ ચાર પ્રજાતિઓના પ્રાણીઓની સંખ્યા ૭૨૦ છે, ઉપરાંત, રોઝ, ચોશિંગા અને ભેંકરની કુલ સંખ્યા ૧૬૫૨ છે. ૨૦૧૮થી ૨૦૨૩ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં દીપડાની સંખ્યામાં નોંધનીય ૬૩ ટકાના વધારો થયો છે. અગાઉ સુરત જિલ્લામાં ૨૦૧૮માં ૪૦ દીપડા હતા, પરંતુ વન્યપ્રાણીઓના સંરક્ષણ સંવર્ધનની કામગીરીને કારણે વધીને ૨૦૨૩માં ૧૦૪ દીપડા નોંધાયા છે, એટલે કે દીપડાની વસ્તીમાં ૧૪૫ ટકાનો વધારો થયો છે. સુરત જિલ્લામાં પક્ષીઓની ૨૩૬ પ્રજાતિઓ અને વૃક્ષોની ૧૨૬ પ્રજાતિઓ જોવા મળે છે. રાજ્ય સરકારની ૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ સેવા ઘાયલ પક્ષીઓની સારવાર આપે છે, તથા વાઈલ્ડ લાઈફ હેલ્પલાઈન નં. ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર વોટ્સએપ મેસેજ કરી સારવાર કેન્દ્રની વિગત મેળવી શકાય છે એમ જણાવ્યું હતું.



સ્વતંત્રતા પછી તુરંતના વર્ષોમાં કેન્દ્ર સરકારે અમૂલ્ય વન પ્રાણી સંપદાના રક્ષણ માટે કેટલીક જોગવાઈઓ અને વ્યવસ્થાઓ કરી. ત્યારથી વન્ય પ્રાણીઓના રક્ષણમાં લોકોને જોડવા અને સમુદાયોમાં તેમની જાળવણીની જાગૃતિ વ્યાપક બનાવવા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવાય છે. જ્યારે યુનોના ઠરાવ થી ૩ જી માર્ચના રોજ વન્ય પ્રાણી સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે જંગલો અને તેની આસપાસના વિસ્તારોમાં ૨૫૦થી ત્રણસો મિલિયન (૨૫ થી ત્રીસ કરોડ) લોકો રહે છે. જેઓના ખોરાક, રહેઠાણ, ઊર્જા અને ઔષધિઓ જેવી જરૂરિયાતો જંગલ પૂરી કરે છે. જંગલો, તેના નિવાસીઓ અને આસપાસના નિવાસીઓ માટે રોજીરોટીનો સ્રોત છે.



એટલે જંગલો અને તેની ફ્લોરા ફાઉના એટલે કે વનસ્પતિ અને પ્રાણી વિવિધતા સાચવી અને વધારીને લોકોને અને ધરતીને ટકાવી શકાશે. વનનિર્ભર એવા આ નાગરિકો અને પ્રાણીઓના કલ્યાણ માટે જંગલો અને જંગલ જીવોને સાચવવા જ પડશે. એટલે જ જંગલ અને જંગલ જીવોને આબાદ રાખવા એ દયા નથી, પણ માનવજાતને જીવતી રાખવાનો વ્યાયામ છે. જન-જનને જીવાડવા માટે જંગલો અને તેની સંપદાને જીવાડવી અનિવાર્ય છે. વન્ય પ્રાણીઓ પ્રકૃતિનું અભિન્ન અંગ છે. તેમના અસ્તિત્વને ટકાવી રાખવા અને દુર્લભ પ્રાણીઓ પ્રત્યે માનવજાતમાં દયાભાવ અને લાગણી ઉભી થાય, પ્રાણી તથા માનવ વચ્ચે રહેલા નૈસર્ગિક સેતુને અતૂટ રાખી લુપ્ત થતા તેમજ અન્ય તમામ વન્યપ્રાણીઓને બચાવવા વનવિભાગને મદદરૂપ થવું એ સભ્ય નાગરિક તરીકે આપણી ફરજ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application